રિયલ એસ્ટેટ, ફાઈનાન્સ, હોટલ અને મીઠાઈના બિઝનેસ સાથે સંકળાયેલા અને ગાંધીધામમાં સોની સમાજની વાડી પાસે હેડ ઓફિસ ખાવડા ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં IT વિભાગને મોટી સફળતા હાંસલ થઇ છે.
IT વિભાગે આ દરોડામાં બિનહિસાબી રૂપિયા 18 કરોડ જપ્ત કર્યા છે. ખાવડા ગ્રુપના પ્રમોટર્સ પાસેથી 46 લાખની જ્વેલરી પણ મળી આવી છે. મહત્વનું છે કે, IT વિભાગે કુલ 32 જગ્યાએ દરોડા પાડ્યા હતા. હાલમાં IT વિભાગ દ્વારા સીલ કરેલા 20 લોકરની તપાસ શરૂ છે. કંપની પાસેથી મળી આવેલા રૂ. 18 કરોડનો કોઈ જ હિસાબ ન દર્શાવી શકેલા આવકવેરા અધિકારીઓએ સંપૂર્ણ રકમ કબ્જામાં લઈ લીધી છે. આ ગ્રુપના રૂ. 80 કરોડથી વધુ રકમના બિનહિસાબી વહેવારોને લગતા વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. વધુમાં હવે સીલ કરેલા 20 લૉકર તપાસવાનું શરૂ કરાતા હજુ વધુ રોકડ રકમ પકડાવાની શક્યતા સેવાઇ રહી છે.
આવકવેરા ખાતાના સૂત્રોના કહેવા અનુસાર દરોડા દરમ્યાન રૂ. 46.64 લાખના મૂલ્યના દાગીના પણ મળી આવ્યા છે. ત્યારે હવે આવકવેરાના દરોડાની કાર્યવાહી સમેટી લેવાનો આરંભ થઈ ગયો છે. આ કેસમાં ખૂબ મોટી રકમના વહેવારો ઝડપાયા હોવાથી અમદાવાદથી કમિશનર રાજકોટ જવા રવાના થઇ ગયા છે.