મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સમક્ષ આકરું વલણ લીધું હતું અને સીધો પ્રશ્ર્ન પુછ્યો હતો કે શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર વગર બ્રીજના કામની સીધેસીધી બક્ષીસ આપી દીધી અને ફક્ત દોઢ જ પાનાનો કરાર કર્યો. ગત તા. 30ના રોજ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 150થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
જેમાં હાઈકોર્ટ દ્વારા સુઓમોટો મારફત આ દુર્ઘટના અંગે સુનાવણી શરુ કરવામાં આવી છે જેમાં મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમારની ખંડપીઠે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો અને એ પણ પ્રશ્ન પુછ્યો કે મોરબી નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે ફરજ ચૂક કરી છે તો શા માટે આ નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી નથી.
હજુ સુપ્રિમ કોર્ટમાં આ અંગે સુનાવણીનો પ્રારંભ થવાનો છે અને તેમાં સમગ્ર ઘટનાની ન્યાયીક તપાસ અંગે પણ સર્વોચ્ચ અદાલતનિર્ણય લેશે. આ દરમિયાન આજે ગુજરાત હાઈકોર્ટે પોતાની સુનાવણીમાં રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને એક પછી એક પ્રશ્નની ઝડી વરસાવીને સરકારને આરોપીના પાંજરામાં મુકી દીધી હતી.
હાઈકોર્ટ દ્વારા સીધો પ્રશ્ન પુછાયો કે આટલા મહત્વના કામ માટે ફક્ત દોઢ પાનાનો કરાર અને તે પણ નગરપાલિકા સ્તરે કરાયો તો શું કોઇ ટેન્ડર મંગાવાયું ન હતું ?રાજ્ય સરકાર વતી બચાવમાં જણાવાયું કે રાહત અને બચાવ કામગીરી તૂર્ત જ હાથ ધરવામાં આવી હતી અને શક્ય તેટલા લોકોને બચાવી લેવાયા હતા પરંતુ હાઈકોર્ટને તેના જવાબથી સંતોષ થયો નથી.
ઓરેવા ગ્રુપને કોન્ટ્રાક્ટ આપવા મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો તથા રાજ્ય સરકારને આગામી ચાર દિવસમાં જવાબ આપવા આદેશ આપ્યો હતો. તેમજ જે લોકો માર્યા ગયા છે તેના કુટુંબીજનોમાં યોગ્ય વ્યક્તિને સરકારી નોકરી આપવા અને જે બાળકો અનાથ થયા છે તેમની જવાબદારી રાજ્ય સરકાર ઉઠાવે તેવી સ્પષ્ટ રીતે જણાવ્યું હતું.
હાઈકોર્ટમાં રાજ્ય સરકાર માટે જવાબ આપવો મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ થઇ હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે નગરપાલિકા તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગઇ છે તે નિશ્ચિત છે અને તેથી તેની સામે તાત્કાલીક પગલા જરુરી છે. હાઈકોર્ટમાં હજુ રાજ્ય સરકાર પોતાનો જવાબ રજૂ કરશે અને આગામી દિવસોમાં સુપ્રિમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે તે જોતા રાજ્ય સરકાર માટે મુશ્કેલી વધશે.
મોરબી પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે શા માટે નગરપાલિકાને સુપરસીડ ન કરવી તે નોટીસ સ્પેશ્યલ બેલીફ મારફત ઓનલાઈન મોકલી આપી છે અને તેને ખુલાસો કરવા માટે જણાવાયું છે.