સાઉદી અરેબિયન દેશ કતારના અલ-બેત સ્ટેડિયમ પર ગતરાતથી ફિફા વર્લ્ડકપનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ઓપનિંગ મેચમાં યજમાન કતાર અને ઈક્વાડોર વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં ઈક્વાડોરે કતારને 2-0થી પરાજય આપ્યો છે. ઈક્વાડોર વતી બન્ને ગોલ કેપ્ટન અને સ્ટ્રાઈકર એનર વેલેન્સીયાએ કર્યા હતા.
આ હાર સાથે જ ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં કતાર પહેલી એવી મેજબાન ટીમ બની ગઈ છે જેને પોતાના પ્રથમ મતલબ કે ઓપનિંગ મેચમાં જ હાર મળી છે. આ પહેલાં કોઈ પણ યજમાન દેશ ક્યારેય પોતાની પહેલી મેચ હાર્યો નથી. કતારે મેચમાં ગોલ પોસ્ટ ઉપર પાંચ શોટ ફટકાર્યા હતા પરંતુ તે ગોલમાં તબદીલ થઈ શક્યા નહોતા.
ઈક્વાડોરના કેપ્ટન એનર વેલેન્સીયાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વેલેન્સીયાએ પહેલો ગોલ 16મી મિનિટમાં કર્યો હતો. કતારના ગોલકિપરની ભૂલથી ઈક્વાડોરને પેનલ્ટી મળી અને તેને વેલેન્સીયાએ તેને ગોલમાં તબદીલ કર્યો હતો. આ પછી વેલેન્સીયાએ જ 31મી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો. કોર્નરનો શાનદાર ફાયદો ઉઠાવતાં તેણે ઉછળીને ગોલ તરફ હેડર માર્યું અને બૉલ નેટમાં ચાલ્યો ગયો હતો.
કતારે લેટિન અમેરિકન ટીમ ઈક્વાડોરને મેચમાં ટક્કર જરૂર આપી હતી પરંતુ તેને જીત મળી શકી નહોતી. ખેલાડીઓએ સારું પાસિંગ અને મેચમાં ટકી રહેવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને તક પણ બનાવી હતી પરંતુ તે તક ગોલમાં પરિવર્તિત થઈ શકી નહોતી. આ પાછળનું મહત્ત્વનું કારણ એ રહ્યું કે પેનલ્ટી બોક્સમાં બોલના જતાં જ સ્ટ્રાઈકર તેને યોગ્ય દિશા આપી શક્યા નહોતા. કતારે મેચમાં પાંચ શોટ લગાવ્યા પરંતુ એક પણ ગોલ તરફ લઈ જઈ શક્યા નહોતા.
કેરળ સહિતના રાજ્યો અલગ-અલગ ટીમોના રંગે રંગાયા
ફિફા વર્લ્ડકપનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે અને એક મુકાબલો પણ રમાઈ ચૂક્યો છે. બીજી બાજુ ભારતમાં હવે ક્રિકેટનો જ રોમાંચ રહે છે તે વાત હવે જૂની-પૂરાણી થઈ ચૂકી છે. દેશમાં હવે અન્ય રમતો અને તેમાં પણ ખાસ કરીને ફૂટબોલ તેમજ હૉકીનું ખાસ્સું આકર્ષણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ ફિફા વર્લ્ડકપ શરૂ થતાં જ ભારતમાં પણ તેનો અનેરો માહોલ છવાઈ જવા પામ્યો છે. દેશના વિવિધ રાજ્યોના ફૂટબોલ ચાહકોમાં મનપસંદ ખેલાડીઓની જર્સીમાં તેમજ ધ્વજની ભારે માંગ જોવા મળી રહી છે. કોલકત્તામાં ફૂટબોલ ચાહકો સવારથી જ ફૂટબોલરની જર્સી મેળવવા માટે પડાપડી કરી હતી તો કેરળ સહિતના રાજ્યો પણ ફિફાના રંગમાં રંગાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભારતમાં આર્જેન્ટીના, બ્રાઝીલ, પોર્ટુગલ સહિતની ટીમો તરફનો ઝૂકાવ વધુ જોવા મળી રહ્યો છે.