દેશમાં આર્થિક પછાત વર્ગ માટે અનામતને સર્વોચ્ચ અદાલતે બંધારણીય ગણાવીને તેને યથાવત રાખવાનો ચુકાદો આપ્યા બાદ હવે મદ્રાસ હાઈકોર્ટમાં એક રસપ્રદ જાહેર હિતની અરજીમાં માગણી કરાય છે કે આ અનામતમાં આવકની મર્યાદા રૂા. 8 લાખ રાખવામાં આવી હોય તો પછી આવકવેરા મુક્તિ મર્યાદા ફક્ત રૂા. 2.5 લાખને બદલે રૂા. 8 લાખ રાખવી જોઇએ.
મદ્રાસ હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ બંધારણના 103માં સુધારાને સુપ્રિમ કોર્ટ દ્વારા યોગ્ય ગણાવાના નિર્ણય પર આવકવેરા માટે રૂા. 2.50 લાખ સુધીની આવકની મુક્તિ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના સંદર્ભમાં પણ પ્રશ્ન ઉઠાવાયા હતા અને જણાવાયું હતું કે રૂા. 7,99,999 સુધીની આવકને જો આર્થિકરુપથી કમજોર વ્યક્તિઓ માટે અનામત યોગ્ય ગણાતી હોય તો આવકવેરા મુક્તિ મર્યાદા પણ તેટલી જ થવી જોઇએ અથવા તો આ અનામત માટે ક્રિમીલીયરની આવક રૂા. 2.50 લાખ કે તેથી વધુ હોય તો તેને મુક્તિ અપાવી જોઇએ.
મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર. મહાદેવની ખંડપીઠ સમક્ષ આવેલી આ અરજી પર હવે હાઈકોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે અને ચાર સપ્તાહમાં એફીડેવીટ રજૂ કરવા જણાવ્યું છે. કુન્નુરના શ્રીનિવાસન કુશક અને એસેટ પ્રોટેકશન કાઉન્સીલ કે જે ડીએમકે પક્ષનો એક હિસ્સો છે તેના દ્વારા આ રિટ અરજી દાખલ કરવામાં આવી છે. અને તેમાં રૂા. 2.50 લાખથી વધુ આવક ન હોય તેને કરમુક્તિ આપવામાં આવી છે તેને પડકારાયો છે.
અરજદારે હાઈકોર્ટમાં જણાવ્યું કે સુપ્રિમ કોર્ટના ચુકાદા પર આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અનામત યથાવત રાખવામાં આવી છે અને સુપ્રિમ કોર્ટે એ પુષ્ટિ કરી છે કે કોઇ પણ પરિવારની વાર્ષિક 7,99,999 સુધીની હોય તો તે આર્થિક રીતે કમજોર ગણવામાં આવશે. અરજદારે જણાવ્યું કે સરકારે આવકનો માપદંડ નક્કી કર્યો છે અને તે પ્રમાણે અનામતનો લાભ મળે છે. આવકવેરા મુક્તિ મર્યાદા રૂા. 2.50 લાખ સુધીની જ છે તો પછી રૂા. 7,99,999 સુધીની આવક ધરાવતા વ્યક્તિ પાસેથી આવકવેરો વસુલાવો જોઇએ નહીં.
અરજદારે જણાવ્યું કે સરકારે જ્યારે અનામત મેળવવા માટે આર્થિક રીતે નબળા વર્ગની આવક મર્યાદા નિશ્ર્ચિત કરી છે તો પછી તે માપદંડ તમામ વર્ગ માટે સમાન રીતે લાગુ થવા જોઇએ. આ ઉપરાંત આર્થિક અનામત માટે માપદંડમાં પ્રતિ વર્ષ રૂા. 7,99,999ની આવક ધરાવતા વ્યક્તિને જો તક મળતી હોય તો તેના કારણે બંધારણની કલમ 15 અને 16માં જે જોગવાઈઓ છે તે બિનઅસરકારક બની જાય છે.