દેશ-વિદેશમાં લોકપ્રિયતા હાંકલ કરનાર સ્વદેશી ટેકનીકથી બનેલી વંદેભારત ટ્રેનને કેન્દ્ર સરકારના સામાન્ય બજેટમાં સ્થાન મળી રહ્યું છે. સરકાર દર વર્ષે 250-300 વંદેભારત ટ્રેનના ઉત્પાદન-સંચાલનની જાહેરાત કરી શકે છે. આ ટ્રેન બજેટનો ભાગ બનવાથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદેભારતની નવી ટેકનીક, ડિઝાઈન, સ્પીડ વધારવાની અગ્રીમ જોગવાઈ કરવામાં આવશે.
રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય રેલની પ્રીમીયમ રાજધાની એકસપ્રેસ-શતાબ્દી એકસપ્રેસ, દૂરંતો એકસપ્રેસ, સુપરફાસ્ટ, મેલ એકસપ્રેસ વગેરે ટ્રેનોને હટાવીને વંદે ભારત ચલાવવામાં આવશે. મતલબ ભારતીય રેલમાંથી પ્રીમીયમ ટ્રેનના એલએચબી કોચ (લગભગ 65 કોચ) પુરેપુરા હટી જશે. તેમણે જણાવ્યું હતું કે આગામી સામાન્ય બજેટમાં 250-300 વંદેભારત ટ્રેનોના ઉત્પાદન અને સંચાલનની જાહેરાત કરવામાં આવી શકે છે. જેમાં દેશના વિભિન્ન શહેરો વચ્ચે વંદેભારત ટ્રેન ચલાવવાનો એડવાન્સમાં રોડ મેપ હશે. યોજના મુજબ વર્ષ 2024 સુધીમાં વંદેભારત ટ્રેનની નિકાસ પણ શરૂ કરી દેવામાં આવશે. જેમાં દક્ષિણ અમેરિકા, પૂર્વી એશિયા અને યુરોપના દેશોમાં વંદેભારત ટ્રેનની નિકાસ કરવામાં આવશે. આ દેશોએ સ્વદેશી ટેકનીકથી બનેલી સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનોમાં રસ દાખવ્યો છે.
વળાંક પર ધીમી પડયા વિના વંદેભારત ટ્રેન થોડી ઝુકશે: જો કે મુસાફરોને ઝુકવાનો અહેસાસ નહીં થાય
ભારતને 2025-26 સુધીમાં ઝુકતી વંદે ભારત ટ્રેન મળી જશે. આ ટેકનીકનો ઉપયોગ કરીને 100 વંદે ભારત ટ્રેનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રેલવેના એક અધિકારીના જણાવ્યા મુજબ ટિલ્ટીંગ ટ્રેનોમાં નિયમિત બ્રોડગેજ ટ્રેક પર ઉચ્ચ ગતિને સક્ષમ કરનાર એક ટેકનીક લાગેલી હોય છે, જે ટ્રેક પર વળાંક કે ગોટાઈ પર પોતાનો તાલમેલ મેળવીને ઝૂકે છે. આવી ટ્રેન હાલમાં 11 દેશો ઈટલી, પોર્ટુગલ, સ્લોવેનિયા, ફીનલેન્ડ, રશિયા વગેરે દેશોમાં છે. આ પ્રકારની ટ્રેનો સ્પીડ સાથે જ વળાંક લે છે, ધીમી નથી પડતી, એ તાલ મેળવીને ઝુકે છે પણ મુસાફરોને તેનો અહેસાસ નથી થવા દેતી.