ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડમાં ગુજરાતી યુવાનની ઘાતકી હત્યા થઇ છે. અત્યાર સુધી યુએસમાં જ લૂંટ કરીને જ ગુજરાતીઓની હત્યા થતી હતી ત્યારે હવે ન્યૂઝિલેન્ડમાં પણ ગુજરાતીઓ સલામત નથી. જલાલપોર તાલુકાનાં વોડલીગામનાં એનઆરઆઈ યુવાન જનક પટેલે દુકાનમાં લૂંટનો પ્રતિકાર કરતા તેની હત્યા કરવામાં આવી છે. આ યુવાન આઠ મહિના પહેલા જ ન્યૂઝિલેન્ડમાં સ્થાયી થવા ગયા હતા. યુવાનની પત્ની સામે જ તેના પતિની ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ લૂંટારુઓ હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. જેનાં કારણે ન્યૂઝિલેન્ડમાં રેહતા ભારતીયોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.
જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના વડોલીગામના વતની અને એન.આર આઈ 36 વર્ષનાં યુવાન જનક કાળીદાસભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની વિજેતા પટેલ નીમલાઇ ગામની વતની છે. તેઓ આઠ મહિના પહેલા જ ન્યૂઝિલેન્ડનાં હેમિલ્ટન ખાતે ગયા હતા. આ બંને દુકાનમાં કામ કરતા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારીના કાસ્બાપાર ગામના વતની ઓકલેન્ડ ખાતે રહેતા ધર્મેશભાઈ મગનભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે 15 દિવસ માટે ન્યુઝીલેન્ડથી વતન આવ્યા હતા. જેથી ધર્મેશભાઈ મગનભાઈ પટેલ તેમની ઓકલેન્ડ ખાતે આવેલી દુકાન ચલાવવા માટે જનક પટેલને દુકાન સોંપી હતી.
આ દરમિયાન જનક પટેલ તેની પત્ની વિજેતા સાથે ઓકલેન્ડ ખાતે દુકાન ચલાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમની દુકાનમાં લૂંટારુઓ ત્રાટકયા હતા અને જનક પટેલ અને તેમની પત્નીને ચપ્પુ બતાવી દુકાનના ગલ્લાંમાં રાખેલા ડોલર અને દુકાનના માલસામાનની લૂંટ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન લૂંટારુંનો પ્રતિકાર કરવા જતા એક લૂંટારુએ યુવાન પર તીક્ષ્ણ ચપ્પું વડે હુમલો કરી ઉપરા છાપરી પેટના ભાગે તથા ગાળાના ભાગે અને પગમાં આઠથી દસ જેટલા મરણતોલ ઘા ઝીંકી દીધા હતા.