અંધ ઉદ્યોગ શાળાનાં યજમાન પદે ભાવનગરનાં આંગણે ત્રીજી નાટ્ય એકાંકી સ્પર્ધાનું સંસ્થાનાં પટાંગણમાં તા.૨૫ અને ૨૬ નવેમ્બરનાં રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન જાણીતા અભિનેતા ગૌરાંગ આનંદનાં વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં રાજ્યમાં નેત્રહીનોને શિક્ષણ આપતી વિભાગ અ માં ૭ અને વિભાગ બ માં ૧૦ મળી કુલ ૧૭ સંસ્થાઓની ટીમોનાં ૧૬૫થી વધુ પ્રજ્ઞાચક્ષુ કલાકાર ભાઈ-બહેનો ભાગ લઇ રહ્યા છે. ૩૦ મિનીટની નાટ્ય એકાંકી સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ કલાકારોનો વાચિક, આંગિક અને સાત્વિક અભિનય નિહાળવા જેવો રહ્યો છે. તાલીમ પામેલા શિક્ષક ભાઈ-બહેનો દ્વારા આ એકાંકીઓનું નિર્દેશન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિભાગ – અ માં ૧૬ વર્ષ સુધીના અને વિભાગ-બ માં ૧૬ વર્ષથી ઉપરનાં પ્રજ્ઞાચક્ષુ કલાકારો ભાગ લઇ રહ્યા છે. બંને વિભાગમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાકૃતિઓને અનુક્રમે રૂ.૨૫,૦૦૦/-, રૂ.૨૦,૦૦૦/- અને રૂ.૧૫,૦૦૦/- નાં રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન હિતેશભાઈ દવે (મેનેજર – સ્ટેટ બેંક ઇન્સ્ટીટયુટ ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ) અહી નેત્રહીનોનાં ઘડતર માટે થતી પ્રવૃત્તિઓ નિહાળવા જેવી હોય છે. સંસ્થાનાં પ્રત્યેક આયોજનો સૌ કોઈને માર્ગદર્શન પૂરું પડે તેવા હોય છે.
નાટ્ય એકાંકી સ્પર્ધા વિષે માહિતી આપતા સંસ્થાનાં જનરલ સેક્રેટરી અને રમતગમત અને સાંસ્કૃતિક સમિતિ રાજ્યશાખાનાં ચેરમેન લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે વાચિક, આંગિક અને સાત્વિક અભિનય કલા દ્વારા નેત્રહીનોની અંતરની આંખે અજવાળા પથરાશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ પહેલા વર્ષ ૧૯૯૮-૯૯ તેમજ વર્ષ ૨૦૦૫માં નેત્રહીન નાટ્ય એકાંકી સ્પર્ધાનું આયોજન ભાવનગરનાં આગણે કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે નેત્રહીન કલાકારોનો ઉત્સાહ બેવડાયો છે. કારણ કે છેલ્લા ૪ વર્ષથી કોવિડનાં કારણે સ્પર્ધાનું આયોજન થઇ શક્યું નથી. આ પ્રસંગે બાબાભાઈ, મહેશભાઈ પાઠક, હર્ષકાન્ત રાખશીયા, ભાવેશભાઈ ગાંધી, બાબુભાઈ ગોહિલ સહીતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.