રૂપાણી-CR પાટીલે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. દિગ્ગજ નેતાઓ વહેલી સવારે મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સવારે 9 વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ એક કલાકમાં 3 ટકા મતદાન થયું છે. નાણામંત્રી કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા માટે વાપીની જ્ઞાનદા સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે, કનુ દેસાઈના મતદાન કર્યા પહેલાં EVMમાં ખામી સર્જાઈ હતી. EVMમાં ખામી સર્જાતા કનુ દેસાઈને 15 મિનિટ રાહ જોવી પડી હતી. મતદાન કર્યા બાદ કનુ દેસાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આ વખતે ભાજપ બહુમતી સાથે જીત મેળવશે.
આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.
પ્રથમ તબક્કામાં કુલ 11 મંત્રી, ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારો સહિત 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે રિઝર્વ છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે.