ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજા તબક્કાને લઈ PM મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તેમજ આજે પ્રચારનો છેલ્લો દિવસ છે.
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે મહિનામાં સરકારી અને પાર્ટીના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. આ સાથે PM મોદીએ ભાજપની કુલ 38 સભાઓને સંબોધી છે. જોકે PM મોદીએ ચૂંટણી પ્રચારમાં 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી દીધી છે. અમદાવાદમાં PM મોદીનો રોડ-શો આયોજન કરવામાં આવ્યો હતો. સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જોરશોરથી પ્રચાર કરતા રહ્યા છે અને આજે વડાપ્રધાનના પ્રચારનો છેલ્લો દિવસ છે. જોકે સત્તાધારી પક્ષ ભાજપના ઝંઝાવાતી પ્રચારને કારણે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ પણ ન બની શક્યો. તેનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને મળતો જોવા મળી શકે છે.
હવે આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જે બાદમાં 8 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે કે, વડાપ્રધાનના પ્રચંડ પ્રચારની અસર કેટલી થઈ ? ભાજપને કેટલી બેઠકો મળે છે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું શું થયું?