ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જે બાદ એક્ઝિટ પોલ સામે આવ્યો છે જેમાં ભાજપનો ભવ્ય વિજય બતાવવામાં આવી રહ્યો છે. જે બાદ કેટલાક નેતાઓનું એક્ઝિટ પોલ પર નિવેદન સામે આવ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે સરકાર બનાવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે, ભાજપ અને ગુજરાતની જનતાએ નવો ઈતિહાસ લખવાનું નક્કી કર્યું છે. છેલ્લા 27 વર્ષથી જળવાયેલા સંબંધ આગામી દિવસોમાં વધુ સારો થવાના છે. આ ચૂંટણી સત્તાની જીત માટે નથી પરંતુ સંબંધોના ઈતિહાસ માટે છે. હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર એક્ઝિટ પોલ પર જણાવ્યું કે, શિમલા ગુજરાત એકતરફી ચૂંટણી અને જ્યાં અન્ય પક્ષો ઘણા પાછળ છે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની બેઠકો ઘટશે અને આમ આદમી પાર્ટી કેટલાક વોટ લેશે, પરંતુ તેમ છતાં બંને પાર્ટીઓ ઘણી પાછળ રહેશે, બીજેપીની ઐતિહાસિક જીત થવાની છે.
આમ આદમી પાર્ટીના ગુજરાતના સીએમના ઉમેદવાર ઇસુદાન ગઢવી જણાવ્યું કે, એક્ઝિટ પોલના આંકડા સાચા નથી કારણ કે જેનો અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ હોય છે. 2013માં પણ જ્યારે AAP દિલ્હીમાં લડી રહી હતી ત્યારે બધા કહેતા હતા કે તે પોતાની ડિપોઝીટ બચાવે તો પણ બહુ મોટી વાત પરંતુ આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતી હતી. તેમણે જણાવ્યું કે, હું માની રહ્યો છું કે AAPનું પરિણામ એક્ઝિટ પોલ કરતાં વધુ હશે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા શકશે નહીં. તેમણે દાવો કરતા કહ્યું કે, અમે અંદાજો લગાવીએ છીએ કે અમે 100થી વધુ બેઠકો જીતીશું