ગુજરાત વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કાઓ પૂર્ણ થઇ ચુક્યા છે અને હવે લોકોને રિઝલ્ટની રાહ છે. એક્ઝિટ પોલના આંકડા જોઈને લોકો ઘણા ચોંકી ગયા હતા. હાલના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીસ્પષ્ટપણે આગળ ચાલી રહી છે અને એ મુજબ ભાજપ લગભગ 128 બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. ગુજરાતમાં સાતમી વખત પીએમ મોદી અને અમિત શાહની જોડી બહુમતીથી રાજ કરી શકે છે. કોંગ્રેસના સીએમ રહેલા માધવસિંહ સોલંકીએ 1985ની વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
એક્ઝિટ પોલ વિશે વાત કરી તો રિપબ્લિક ટીવી અને પી માર્ક દ્વારા કરાયેલા સર્વેમાં ભાજપને 128થી 148 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તે જ સમયે કોંગ્રેસને 30-40 અને આમ આદમી પાર્ટીને 2-10 અને અન્યના ખાતામાં ત્રણ બેઠકોનું અનુમાન છે. બીજી તરફ TV9 ભારતવર્ષ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 125-130 બેઠકો, કોંગ્રેસને 40-50 અને આમ આદમી પાર્ટીને 03-05 અને અન્યને 03થી 07 બેઠકો બતાવવામાં આવી છે.
દિલ્હી યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને તેના સંબંધિત કોલેજો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ માત્ર ગુજરાતમાં સત્તામાં ફક્ત વાપસી નહીં કરે પણ જોરદાર જીત સાથે વાપસી કરી રહી છે. સાથે જ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે ભાજપ 37 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડવા જઈ રહી છે. એ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપના ખાતામાં 167 બેઠકો આવતી દેખાઈ રહી છે. આ સાથે જ સર્વે મુજબ મતની ટકાવારી પણ વધી શકે છે અને તેમાં ભાજપને 54 ટકાથી વધુ વોટ મળતા જોવા મળી રહ્યા છે. આ સામે જ બીજી તરફ કોંગ્રેસને માત્ર ચાર બેઠકો જ મળી રહી છે અને તેને માત્ર 15 ટકા મત મળવાનો અંદાજ છે અને કેજરીવાલની આમ આદમી પાર્ટીને 11 બેઠકો મળવાનું અનુમાન છે.
ગુજરાતમાં શું રેકોર્ડ રહ્યો છે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે અને ખાસ વાત એ રહી કે આ રેકોર્ડ કોંગ્રેસના નામે નોંધાયેલો છે. જણાવી દઈએ કે કોંગ્રેસના સીએમ રહેલા માધવસિંહ સોલંકીએ 1985ની વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને જો આ ચૂંટણીમાં ભાજપને 149થી વધુ બેઠકો મળે છે તો ભાજપ સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
નરેન્દ્ર નો રેકોર્ડ તોડી શકે છે CM ભૂપેન્દ્ર
આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. જો કે કોંગ્રેસે 2017માં ચોક્કસપણે લડત આપી હતી પણ બહુમતી મેળવવામાં તે નિષ્ફળ સાબિત થઈ હતી. આ પહેલા વર્ષ 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે સૌથી વધુ 127 બેઠકો જીતી હતી અને એ સમયે ગુજરાતમાં ભાજપનું તે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. એટલે કે હાલની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સાચા હશે તો ભાજપ તમામ જૂના રેકોર્ડને તોડી શકે છે. ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ અનુસાર આ વખતે ગુજરાતમાં ભાજપને 151 સીટો મળી શકે છે અને જો આમ થશે તો પાર્ટી કોંગ્રેસનો આ જૂનો રેકોર્ડ તોડી શકે છે.