પોર્ટુગલે ધમાકેદાર ફિફા વર્લ્ડ કપ 2022ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મંગળવારે (6 ડિસેમ્બર) મોડી રાત્રે રમાયેલી પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોર્ટુગલે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું હતું. હવે પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો સામે ટકરાશે, જેણે ફ્રાંસને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પોર્ટુગલની ટીમ 16 વર્ષ પછી એટલે કે વર્ષ 2006 પછી પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
આ મેચમાં પોર્ટુગલના કોચે કપ્તાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને શરૂઆતની ઈલેવનમાં સામેલ ન કરવાનો મોટો નિર્ણય લીધો, જે કદાચ ટીમ માટે ફાયદાકારક સાબિત થયો. રોનાલ્ડોની જગ્યાએ ગોનકાલો રામોસને શરૂઆતની XIમાં સ્થાન મળ્યું અને તેણે શાનદાર હેટ્રિક ફટકારી. અગાઉ રામોસને ગ્રુપ મેચ દરમિયાન માત્ર 10 મિનિટ રમવાની તક મળી હતી. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે રોનાલ્ડો યુરો અથવા વર્લ્ડ કપની કોઈપણ મેચમાં પોર્ટુગલની પ્રારંભિક XIનો ભાગ બની શક્યો નથી.
મેચની 17મી મિનિટે જોઆઓ ફેલિક્સના પાસ પરથી ગોનકાલો રામોસે શાનદાર ગોલ કરીને પોર્ટુગલે લીડ મેળવી હતી. ત્યારબાદ 39મી મિનિટે પેપેએ બ્રુનો ફર્નાન્ડિસની કોર્નર કીકને ગોલમાં ફેરવી ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. હાફ ટાઇમ સુધી પોર્ટુગીઝ ટીમ 2-0થી આગળ હતી. આ પછી 51મી મિનિટે રામોસે ડિયોગો ડાલોટના લો ક્રોસને ગોલમાં ફેરવીને ટીમને 3-0ની સરસાઈ અપાવી હતી.