ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચે 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે. જેની સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ટ્રેન્ડમાં ભાજપે 150ની સીટ વટાવી જતા પ્રદેશ કાર્યાલય કમલમ પર જીતની ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી છે.
ગુજરાત ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા બાદ ભાજપે ટ્રેન્ડમાં 150થી વધુ બેઠક હાંસલ કરી લીધી છે. જેને પગલે દિલ્હી ભાજપ કાર્યાલયમાં 6.30 વાગ્યે PM મોદી પહોંચવાની જાહેરાત કરવામાં આવી છે.