ફિફા વર્લ્ડ કપ 2022ની બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી. આ મેચ લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. સૌથી પહેલા આર્જેન્ટિનાએ 2-0ની લીડ બનાવી, પરંતુ નેધરલેન્ડે બે શાનદાર ગોલ કરીને મેચની બરાબરી કરી લીધી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ 4-3થી મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
FIFA વર્લ્ડ કપ આર્જેન્ટિના vs નેધરલેન્ડ્સ: FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં શુક્રવારે મોડી રાત્રે ખૂબ જ રોમાંચક બીજી ક્વાર્ટર ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાની ટક્કર નેધરલેન્ડ સાથે થઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે મેસ્સીની ટીમ આ વખતે ચેમ્પિયન બનવાથી બે જીત દૂર છે. આર્જેન્ટિના ટીમ હવે સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે ટકરાશે. ક્રોએશિયાએ તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેમારની ટીમ બ્રાઝિલને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. હવે આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચેની આ સેમિફાઇનલ મેચ 13 ડિસેમ્બરે બપોરે 12.30 કલાકે રમાશે.
બીજા હાફમાં આ મેચ ખૂબ જ રોમાંચક રહી. નેધરલેન્ડની ટીમે 83મી મિનિટે પ્રથમ ગોલ કરતા મેચ 2-1ની બરાબર હતી. ત્યારપછી ઈન્જરી ટાઈમની લગભગ છેલ્લી મિનિટોમાં નેધરલેન્ડે બીજો ગોલ કરીને મેચ 2-2થી બરાબરી કરી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મેચ 4-3થી જીતી લીધી હતી. મેસ્સીના નામે વર્લ્ડ કપ ઈતિહાસમાં 10 ગોલ થઈ ગયા છે. આ સાથે મેસ્સીએ ગેબ્રિયલ બતિસ્તુતાની બરાબરી કરી લીધી છે. મેસ્સી અને ગેબ્રિયલ હવે સંયુક્ત રીતે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર આર્જેન્ટિનાના ખેલાડી બની ગયા છે. મેરાડોનાના વર્લ્ડ કપમાં 8 ગોલ છે. મેસ્સીએ આ સિઝનમાં અત્યાર સુધીનો ચોથો ગોલ કર્યો છે.