શહેરની ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાનની વ્યક્તિને આપતો હતો અને તેના બદલામાં પૈસા લેતો હતો.
સુરતમાં રહેતા દીપક નામના શખસની ધરપકડ કરવામાં આવી છે. તે છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાની સંસ્થા ISIના સંપર્કમાં હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ વ્યક્તિ સામે ભારતીય આર્મીને લગતી અતિસંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરવા બદલ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યુ હતુ કે, ‘સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ઈસમની ધરપકડ કરી છે તેનું નામ દીપક સાલુકે છે. તે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્કમાં રહે છે.’
દિપક પૂનમ શર્મા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાતચીત કરતા સમયે પાકિસ્તાનના હમીદ નામના ઈસમના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ હમીદે પોતે પાકિસ્તાનનો હોવાનું અને ISI માટે કામ કરતો હોવાનું દિપક સાલુકેને જણાવ્યું હતું. ત્યારબાદ હમીદે દીપકને ભારતીય સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું અને દીપકે ભારતીય સીમકાર્ડ હમીદને આપ્યા હતા. આ ઉપરાંત ભારતીય સૈન્યના અલગ અલગ ફોટો સોશિયલ મીડિયા ગુગલ અને યુટયુબ પરથી ડાઉનલોડ કરીને તે આ પાકિસ્તાનના ઈસમ હમીદને આપતો હોવાનું આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે. દીપકને આ ફોટો અને વીડિયો વોટ્સએપના માધ્યમથી મોકલવાના બદલામાં 75,856 રૂપિયા મળ્યા હોવાનું પણ તેને પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે.