સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ ૧૧ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન કમોસમી માવઠાની અસર થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલ જેના પગલે છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર સહિત ભાવનગરમાં ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે અને લઘુતમ તાપમાનનો પારો અસામાન્ય રીતે ઉચકાયો છે રાત્રિનું તાપમાન માત્ર ત્રણ દિવસમાં વધીને ૨૨.૮° થઈ જવા પામેલ છે.ગઈકાલે બુધવારે ભાવનગર જિલ્લાના તળાજા તથા મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠા સાથે વાદળીયુ વાતાવરણ રહેવા પામ્યું હતું અને ભાવનગર શહેરમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
ડિસેમ્બરના પ્રારંભ સાથે રાજ્યભરના જિલ્લાઓમાં શિત લહેર સાથે કડકડતી ઠંડીનો પ્રારંભ થયેલ ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા હવામાન વિભાગ દ્વારા તારીખ ૧૧ થી ૧૫ ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી માવઠા પડવાની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસથી વેસ્ટન ડીસ્ટબન્સના કારણે વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને શીત લહેર ગાયબ થઈ જવા પામી હતી અને લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીથી વધીને ૨૨.૮ ડિગ્રી થઈ જવા પામ્યુ છે. ગઈકાલે બુધવારે ભાવનગર જિલ્લાના મહુવા તેમજ તળાજા પંથકમાં કમોસમી માવઠા પડ્યા હતા. જેમાં કેટલાક ગામડાઓમાં તો રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો અને દોડધામ વધી જવા પામી હતી માવઠાના કારણે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે જણસી લાવતા ખેડૂતોને પણ તેઓનો પાક ખરાબ ન થાય તે માટે ઢાંકવા માટે તાડપત્રી સહિતની વ્યવસ્થા કરવા અગાઉથી જાણ કરી દેવાય છે.
આજે સતત બીજા દિવસે પણ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યુ છે અને ભેજનું પ્રમાણ પણ ૬૧% રહેવા સાથે સરેરાશ ૧૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો આમ સતત બીજા દિવસે પણ ધાબડીયુ વાતાવરણ રહેતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.