ભારતના વિદેશ મંત્રી જયશંકર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં સતત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે 24 જ કલાકમાં બીજી વાર પાકિસ્તાનને આડે હાથ લીધું છે. મુંબઈ હુમલો અને ન્યૂયોર્કમાં થયેલા હુમલાને પણ યાદ કરવામાં આવ્યું આવ્યું અને કહ્યું કે આ બંનેમાં પાકિસ્તાનનું જ સીધું કનેક્શન છે. તેમણે કહ્યું કે આપણે ફરી 26/11 કે 9/11 થવા દઈ શકીએ નહીં. આતંકવાદનો મુદ્દો સતત ગંભીર થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ બેઠકને મુંબઈ હુમલાના સર્વાઇવર બહાદુર નર્સ અંજલિએ પણ સંબોધન કર્યું હતું.
જયશંકરે કહ્યું કે કોઈ પણ દેશે આતંકવાદનો લાભ લેવા વિષે વિચારવું પણ જોઈએ નહીં અને આતંકવાદ મુદ્દે તમામ મતભેદોને ભૂલીને એકસાથે આવવું જોઈએ. ચીનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાના પુરાવા આધારિત પ્રસ્તાવને પૂરતા કારણો આપ્યા વિના અટકાવી દેવામાં આવે છે. પાકિસ્તાનના સંદર્ભમાં કહ્યું કે આતંકવાદનું સમકાલીન કેન્દ્ર ખૂબ જ સભાન અને સક્રિય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં તેમણે કહ્યું કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે. તે કોઈ સીમાઓ, રાષ્ટ્રીયતા કે જાતિ જાણતો નથી.