જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. પરીણામે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતા હોય છે. ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા રૂ.351ની પહોંચ ફડાવવી પડશે તેવું બોર્ડ લાગતા મંદિરે આવતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થઈ શકે.
ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશેનું બોર્ડ લગાવવામાં આવતા શિવભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો જસદણના નાયબ કલેકટર દ્વારા નિર્ણય પરત ખેંચવામાં નહી આવે તો ભાવિકો દ્વારા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા તંત્ર ભારે મૂંજવણમાં મૂકાઈ ગયું હતું.