ભાવનગરની ફેમિલી કોર્ટમાં એક સરકારી અધિકારી ઉપર તેની પત્નીએ ભરણપોષણની કરેલી અરજીમાં કોર્ટે વ્યભિચારી જીવન જીવતી પત્નીના વિરૂધ્ધમાં ચુકાદો આપી તેમની અરજીને ફગવી દીધી હતી. આ ઉપરાંત અધિકારી પતિને છુટાછેડા મેળવવા હક્કદાર ગણાવતો હુકમ કર્યો હતો.
ભાવનગરની ફેમિલી કોર્ટમાં એક મહિલાએ તેના પતિએ શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતા ભરણપોષણની અરજી કરી હતી. જે કેસમાં ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ હિમાંશુભાઈ ત્રિવેદીએ બન્ને પક્ષને સાંભળી રજૂ થયેલા પુરાવાની છણાવટ કરીને તપાસ કરતા અરજી કરનાર મહિલા જ્યારે તેમનો પતિ સરકારી નિગમમાં નોકરીએ જાય ત્યારે નાનીછેર ગામ ખાતે આવેલા ક્વાર્ટરમાં પ્રેમી યુવકને મળવા બોલવતી હોય અને બાથરૂમમાંથી પ્રેમી રંગેહાથ ઝડપાયો હોવાનું તેમજ ભાવનગર ખાતે રહેવા આવ્યા ત્યારે અન્ય પ્રેમી સાથેનો શંકાસ્પદ વ્યવહાર તેમજ વાંધાજનક ફોટા મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા હોવાથી સરકારી અધિકારીએ કોઈપણ જાતના કારણ વિના પત્નિનો ત્યાગ કર્યો હોય તેવું બન્યું ન હોવાથી સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંતો પ્રમાણે પણ સતત વ્યભિચારી જીવન જીવતી પત્નિ ભરણપોષણ મેળવવા હક્કદાર ન હોય, જેથી અરજદાર મહિલાની અરજી રદ્દ કરતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત સરકારી અધિકારીએ ફેમિલી કોર્ટમાં કરેલી છુટાછેડાની અરજીના કેસમાં કોર્ટે અરજદાર પતિનો કેસ સાબીત માની છુટાછેડા આપતો હુકમ કર્યો હોવાનો ધારાશાસ્ત્રી જે.એન. ઉપાધ્યાયએ જણાવ્યું હતું. આ કેસમાં તેમની સાથે વકીલ રમ્ય ઉપાધ્યાય, જીતેન્દ્ર ડી. સોલંકી અને જમીલાબેન દલપુત્રા રોકાયા હતા.
પત્ની દ્વારા વ્યભિચારનું આચરણ એ માનસિક ક્રુરતા, પતિ છુટાછેડા મેળવવા હકદાર
આ કેસમાં સરકારી અધિકારી એવા પતિએ તેની પત્નિથી છુટાછેડા લેવા માટે કોર્ટને અરજી કરી હતી જેમાં કોર્ટે અરજી મંજુર રાખી નોંધ્યું હતું કે, પત્ની દ્વારા વ્યભિચારનું આચરણ માનસિક ક્રુરતા છે અને તેનો પતિ છુટાછેડા મેળવવા માટે હકદાર બને છે. આમ આ કેસમાં પ્રથમ તો પત્નીએ કરેલા ભરણપોષણના દાવાનો છેદ ઉડાડી કોર્ટે તેમના પતિએ કરેલ છુટાછેડાની અરજી પણ મંજુર રાખી હતી.