અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવએ અનેરું આકર્ષણ ઉભું કર્યું છે.આ અવસરે ગત રવિવારના દિવસે પ્રમુખ સ્વામી નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતુ. ત્યારે પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ આકર્ષણોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. જેમાં વિદેશી રંગબેરંગી ફુલોએ લોકોનું ખુબ જ ધ્યાન ખેચ્યુ છે. કારણ કે કેટલાક ફુલો તો એવા છે જે ગુજરાતમાં જોવા મળવા એ પણ એક મોટી વાત છે. જેથી વિદેશી ફૂલોએ લોકો વચ્ચે ભારે આકર્ષણ જમાવ્યુ છે.
અમદાવાદના એસ.પી રિંગ રોડ પર ચાલતા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભક્તોનો ભાવસાગર ઘૂઘવ્યો હતો. ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત અને દેશભરના લોકો પ્રમુખ સ્વામી નગરમાં પહોંચ્યા હતા ત્યારે વિવિધ આકર્ષણોએ લોકોમાં આકર્ષણ જમાવ્યુ છે. ખાસ કરીને દરેક કલાકૃતિ આસ પાસ ફુલોની સજાવટે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર નગરીમાં અનેક જગ્યાએ સજાવટ માટે ઉપયોગમાં લેવાયેલા ફુલોએ અનેરૂ આકર્ષણ ઉભુ કર્યુ છે. કારણ કે આ ફુલ ગુજરાતમાં જોવા મળવા એ પણ એક લ્હાવો છે. આ વિદેશી ફુલોની જાળવણી ખુબ જ મુશ્કેલ હોય છે. તેમજ દરેક ફુલ અલગ અલગ દેશમાંથી લાવવામાં આવ્યા છે. જેથી મુલાકાતીઓ પણ ક્યારેય જોવા ન મળતા ફુલોને જોઈને નવાઈ પામી રહ્યા છે અને ફ્લાવર શોમાં પણ આવા ફુલો જોવા ન મળતા હોવાની વાત કહી રહ્યા છે.અમદાવાદ સિવાય બહારથી આવનારા ભક્તો પણ ફુલોને જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે, બહારથી આવનાર લોકોનું કહેવું છે કે આવા ફુલો દુબઈના ગાર્ડનોમાં જોવા મળે છે તેવા ફુલોને ગુજરાતમાં જોવાનો કઈક અલગ જ લ્હાવો છે.
વિદેશમાં જે અલગ અલગ પ્રકારના દુર્લભ ફુલો વાપરવામાં આવ્યા છે તે પાંચ છ હજાર નહી પરંતુ લાખોની સંખ્યામા સમગ્ર નગરને સણગારવામાં આ ફુલો વાપરવામાં આવ્યા છે. જો ગ્લો ગાર્ડનની વાત કરીએ તો ફક્ત ગ્લો ગાર્ડનમાં 1 લાખ 40 હજાર જેટલા છોડ વાપરવામાં આવ્યા છે.
જ્યારે કળશમાં કુલ 20 હજાર પીટુનિયા અને પેન્સીના છોડ વાપરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામીની મૂર્તિમાં કુલ 40 હજાર પીટુનિયા, પેન્સી અને ક્રિસેન્થીમમ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિવિધ પ્રકારના 125 પ્રજાતિના છોડ અને ઝાડનું વાવેતર કરવામાં આવ્યુ છે. વધુમાં સમગ્ર અમદાવાદમાં 10 લાખ 35 હાજરથી વધુ ફુલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તમામ ફુલોની જાળવણી કરવા માટે પ્રતિદિન 35 હજાર લિટરની 2 ટાકીનો ઉપયોગ કરવામાં આવે છે.
વિક્ટોરીયા લીલી નામનું છોડ છે જે પણ એમેઝોન નદીના તટમાં જોવા મળે છે જે 40 કિલો જેટલુ વજન ઉચકી શકે છે તે પણ અહીં પ્રમુખ સ્વામી નગરમાં જોવા મળે છે. પ્રમુખ સ્વામી નગરમાં અક્ષરધામની પ્રકૃતિની આસપાસ આ વિક્ટોરીયા લીલી નામના છોડથી સણગાર કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે પ્રમુખ સ્વામી મહારાજના ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી 600 એકરમાં થઇ રહી છે. જેમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ નગરની રચના કરવામાં આવી છે.આ વિવિધ પ્રકારના ફુલોનો ઉપયોગ કરીને અવનવા આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવન ઘડતર, પારિવારિક શાંતિ, વ્યસન મુક્તિ અને રાષ્ટ્રસેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિ દ્વારા અનોખું નગર સાથે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં અલગ અલગ પ્રકારનાં ફૂલો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.