શહેરનાં જહાંગીરપુરા વિસ્તારની બીએચએમએસની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થિની જાનવી દિલીપભાઇ પટેલે ‘ગેમ ઓવર’ લખેલી ટી શર્ટ પહેરીને ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ 20 વર્ષની યુવતી કિમમાં આવેલી બીએચએમએસની કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિનીની એટીકેટી આવી હતી જેના કારણે તે તણાવ અનુભવતી હતી. જેના કારણે આપઘાત કરી લીધો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં જહાંગીરપુરા સ્થિત પટેલ નગરમાં રહેતી જાનવીબેન દિલીપભાઈ પટેલ કીમ ખાતેના અણીતા ગામમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. સોમવારે બપોરે જાનવીએ ઘરનાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવ વખતે જાનવી ઘરમાં એકલી જ હતી. પરિવારનાં સભ્યોએ બહારથી આવીને જોયું તો ગભરાઇ ગયા હતા. નોંધનીય છે કે, મૃતકના પિતા દિલીપભાઈ પાલિકામાં ડેપ્યૂટી એન્જિનિયર તો માતા શિક્ષીકા છે. તેનો ભાઈ પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ અંગે પરિવારે જણાવ્યુ હતુ કે, જાનવી કોલેજમાં અપડાઉન કરતી હતી. સોમવારે જ તેણે કોલેજની ફી પણ ભરી હતી. આ ઉપરાંત જહાંગીરપુરા પોલીસ મથકના હે. કો. પ્રદિપભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જાનવીબેનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન જાનવીબેનની તાજેતરમાં એટીકેટી આવી હોવાનું અને તેને લીધે તણાવ અનુભવતી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેને લીધે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે.