ગુજરાતમાં સતત બીજા ટર્મમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત રેશનકાર્ડ, મુખ્યમંત્રી અમૃતમ આરોગ્ય કાર્ડ સહિતના વિવિધ સરકારી યોજનાના કાર્ડને મર્જ કરીને એક ફેમીલી કાર્ડ બનાવવામાં આવશે. આ પ્રોજેકટ સામે કેટલાક નિષ્ણાંતોએ જો કે લાલબતી ધરી છે છતાં સરકાર દ્વારા તેની સમિક્ષા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત સપ્તાહમાં ફેમીલી કાર્ડ પ્રોજેક્ટ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી અને વિવિધ પાસાઓની સમિક્ષા કરવામાં આવી હતી. માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે ફેમીલી કાર્ડમાં પરિવારના દરેક વ્યક્તિ લાભાર્થીની વિગતો સામેલ કરી દેવામાં આવશે અને આ એક જ કાર્ડમાં તેમના દ્વારા મેળવાતા સરકારી યોજનાના લાભોની વિગતો એકત્રિત કરાશે.
આ પ્રોજેક્ટથી સરકાર અને લાભાર્થી બંનેને લાભ થશે. લોકોને એક જ કાર્ડ હેઠળ રાજ્યસરકારની તમામેતમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે. રેશનકાર્ડ-આવાસ-વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, આરોગ્ય સુવિધા સહિતની સેવાઓ આ એક જ કાર્ડથી ઉપલબ્ધ થશે. બીજી તરફ સરકાર જુદા-જુદા કાર્ડને કારણે સર્જાતી વિવિધ પ્રકારની ગેરરીતિઓ અટકાવી શકશે.
સુત્રોએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં સમાજનો એક વર્ગ તમામ સરકારી લાભ અને અનેક કિસ્સામાં ગેરલાભ પણ મેળવે છે જ્યારે અન્યએક વર્ગને એકપણ યોજનાનો લાભ મળતો નથી. આ પ્રકારની ગેરરીતિ રોકવામાં ફેમીલી કાર્ડ પ્રોજેક્ટથી મદદ મળશે. ફેમીલી કાર્ડ અસ્તિત્વમાં આવ્યા બાદ રેશનકાર્ડ, મુખ્યમંત્રી અમૃતમ આરોગ્ય કાર્ડ ઉપરાંત ખેડૂતલક્ષી કૃષિ યોજનાઓમાં પણ અપાતા જુદા-જુદા કાર્ડ બંધ કરી દેવામાં આવશે. અત્યારે એવા સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં બીપીએલ કાર્ડ ધરાવતા લોકો સરકારી નોકરી કરતા હોય છે. વાસ્તવમાં આ લોકો બીપીએલ કાર્ડ મેળવવાને પાત્ર હોતા નથી. આ સિવાય પણ અનેક ગેરરીતિઓ થતી હોય છે.
અમુક જ ભાગમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવવામાં આવશે
મુખ્યમંત્રી સાથેની સમિક્ષા બેઠકમાં જો કે અમુક અધિકારીઓએ એવી લાલબત્તી ધરી હતી કે ફેમીલી કાર્ડને કારણે નાગરિકોની અંગત માહિતી પણ જાહેર થઇ જશે અને ફેમીલી ડેટાનો ગેરઉપયોગ થવાનું પણ જોખમ સર્જાશે. આ તકે એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે સૂચિત પ્રોજેક્ટ એક સાથે લાગુ કરવાને બદલે અમુક જ ભાગમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવવામાં આવશે.