15મી ગુજરાત વિધાનસભાની બે બેઠક આજે શરૂ થઇ છે જેમાં પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. તે બાદ બીજી બેઠકમાં રાજયપાલે સંબોધન કર્યુ છે.
વિધાનસભાની પ્રથમ બેઠકમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અધ્યક્ષ માટે પ્રસ્તાવ મુકયો હતો. ઉપાધ્યક્ષની ચૂંટણી માટે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પ્રસ્તાવ મુકયો હતો. જેમાં શંકરભાઇ ચૌધરીને સભાગૃહના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જયારે જેઠાભાઇ આહિર (ભરવાડ)ને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
બપોરે બીજી બેઠક શરૂ થતા રાજયપાલે વિધાનસભાને સંબોધન કર્યુ છે. રાજયપાલના સંબોધન માટેનો આભાર પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. તો પૂર્વ મંત્રી મધુભાઇ હરજીભાઇ ભુવાને ગૃહમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત અનઅધિકૃત વિકાસ બાંધકામને નિયમિત કરવા માટેનો વટહુકમ પણ વિધાનસભાના મેજ પર મુકવામાં આવ્યો છે. ચૂંટણી અગાઉ આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો, જેને આજે વિધાનસભામાં મંજૂરી આપવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ અને રાજયપાલને અનુમતિ મળી છે તેવા વિધેયકો વિધાનસભાના મેજ પર મુકવામાં આવ્યા હતા.
રાજયપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. પૂર્ણેશભાઇ મોદીએ આભાર માનતો પ્રસ્તાવ મુકયો હતો. 2022નું ગુજરાત અનઅધિકૃત બાંધકામ વિકાસને નિયમિત કરવા માટેનું વિધેયક આજે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.