શિહોર તાલુકાના સુરકા ગામમાં રહેતી સગીરાને અવારનવાર હેરાન કરી જાતિય સતામણી કરી મરવા મજબૂર કરનાર આજ ગામના બે શખ્સને એલ.સી.બી.એ ઝડપી લીધા હતા.આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ શિહોર તાલુકાના સુરકા ગામમાં રહેતી સગીરાએ ગામમાં રહેતા વિપુલ રામજીભાઈ જાેટાણા, મહેશ ગોવિંદભાઈ જાેટાણા અને હર્ષિલ દાનુભાઈ જાેટાણા અવાર નવાર હેરાન પરેશાન કરી જાતીય સતામણી કરતા હોય, આ શખ્સોને ત્રાસથી કંટાળી જઈ સગીરાએ આપઘાત કરી લીધો હતો.
આ અંગે સગીરાના પિતાએ સિહોર પોલીસ મથકમાં ત્રણેય ઈસમો વિરુદ્ધ પોતાની સગીર દીકરીની સતામણી કરી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન આ ગુનાના બે ઈસમો વરતેજ નજીક આવેલ રંગોળી હોટલ પાસે હોવાની બાતમીના આધારે તપાસ કરતા વિપુલ ઉર્ફે બીગ બી જાેટાણા અને મહેશ ઉર્ફે પપ્પુ જાેટાણા બાતમી વાળી જગ્યાએ મળી આવતા એલ.સી.બી.એ બંનેને ઝડપી લીધા હતા.
એલ.સી.બી.એ ઝડપાયેલા શખ્સની પૂછપરછ તેમજ રિમાન્ડ મેળવવા ઉપરાંત ગુનાના આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.