આગામી થર્ટી ફર્સ્ટને લઇ રાજ્યમાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે તમામ ચેક પોસ્ટ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં બુટલેગરો પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કીમયા કરતા હોય છે. અરવલીના શામળાજીમાં અણસોલ ચેકપોસ્ટ પરથી ટ્રકમાં તપાસ કરતા પગરખાના પાર્સલોની આડમાં વિદેશી દારૂ લવાતો હતો. બીજી તરફ વલસાડમાં ગટર અને ખાળકુવાની સફાઈના ટેન્કરમાંથી રૂરલ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.
31 ડિસેમ્બરની ઉજવણી અગાઉ બુટલેગરો એક્ટિવ થયા છે. જેમાં નિતનવા કિમીયા અજમાવી દારૂની વેચાણ કરી રહ્યા છે. ત્યારે આજે વલસાડ રૂરલ પોલીસે ગટર અને ખાળકુવાની સફાઈના ટેન્કરમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો.ચણવાઈ ઓવરબ્રિજના છેડેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પરિસ્થિતિ પારખી બુટલેગરો ટ્રેક્ટર અને કન્ટેનર મુકી ફરાર થઈ ગયા હતા.
આ ઉપરાંત અરવલ્લીમાં 31 ડિસેમ્બરની ઉજવણી અગાઉ પોલીસ અલર્ટ બની છે. પોલીસે શામળાજીના અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. જેનીં તપાસમાં ટ્રકમાં પગરખાના પાર્સલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાનું ભોપાળુ છતું થયું હતું. જેને પગલે પોલીસે 11.10 લાખની કિંમતની 1 હજાર 44 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી છે. વધુમાં અરવલ્લીના શામળાજી પોલીસને પણ દારૂ અંગે જબરી સફળતા સાંપડી છે. પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારના દંપતીને દારૂ સાથે દબોચી લીધું હતું. પોલીસે 504 બોટલ દારૂ, કાર સહિત રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જીતેન્દ્ર ધોબી અને તેની પત્ની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
—–