આજે બોયફ્રેન્ડ – ગર્લફ્રેન્ડ વચ્ચે બ્રેકઅપ, એંગેજમેન્ટ પછી છૂટા પડી જવું અને મેરેજ પછી પણ બે- પાંચ વર્ષે ‘નથી ફાવતું’ કહી ડાયવોર્સના કેસ ફાઈલ કરવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે 50- 55 વર્ષ સુધી બે વ્યક્તિ એકબીજાનો સાથ નિભાવે તે આપણી પરંપરાની ગરિમા છે, ગૌરવ છે.જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેવી જ રીતે ફેમિલી વોર્મિંગ એટલે કે કુટુંબ પરંપરાની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે આ વર્તમાન પરિસ્થિતિ વચ્ચે લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતીને ફરી વિવાહ વિધિ – લગ્ન સંસ્કાર સાથે તેમની દાંપત્ય જીવનની આ લાંબી યાત્રાને બિરદાવવામાં આવે તે અનોખું અને આવકાર્ય આયોજન ગણવું રહ્યું.
ભારતીય સંસ્કૃતિની કુટુંબ અને પરિવાર પરંપરાના પાયામાં લગ્ન સંસ્કાર અને પતિ અને પત્ની આ બે પાત્ર સૌથી મહત્વના છે અને એટલી જ આપણે ત્યાં આ લગ્ન સંસ્થા હજુ પણ ટકી રહી છે. વિદેશોમાં પાંચ સાત કે આઠ વર્ષનું લગ્નજીવન તે આશ્ચર્યજનક ઘટના ગણવામાં આવે છે જ્યારે આપણે ત્યાં લગ્નગ્રંથિથી જોડાયા બાદ આજીવન બંને સાથે રહે તે પરંપરા રહી છે. ભાવનગરના પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા આવા દંપતિઓને સમુહ લગ્ન દ્વારા ફરી નવદંપતી બનાવવાનું આયોજન કરાયું છે.
પુરુષાર્થ ફાઉન્ડેશનના જય રાજ્યગુરુ કહે છે કે, ત્રણેક મહિના પહેલા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન વિચાર આવ્યો કે આવા દંપતીની આ લાંબી સહજીવનની યાત્રાને ફરી લગ્નોત્સવ સાથે કેમ ઉજવી શકાય? આ વિચાર બીજમાંથી આ સમગ્ર આયોજન થયું. 25 ડિસેમ્બરને રવિવારે ભાવનગરના અખિલેશ સર્કલ પાસેના કોમ્યુનિટી હોલમાં લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ થયા હોય તેવા દંપતિઓને ફરીથી માંડવે બેસાડી વાજતે ગાજતે લગ્ન કરાવવાનું આયોજન થયું છે.
ફાઉન્ડેશનના હરેશભાઈ ભટ્ટ કહે છે, સામાજિક સંસ્થા દ્વારા આ પ્રકારે અને આટલી સંખ્યામાં આવા સમૂહલગ્નોત્સવ આ સમગ્ર ગુજરાતમાં પહેલું આયોજન કહી શકાય. 65- 70 કે તેથી વધુ વયના દાદી એટલે કે આ દિવસની કન્યા માટે તૈયાર થવા બ્યુટી પાર્લરની વ્યવસ્થા પણ વિચારી છે. તો લાકડી લઈને ચાલતા દાદા પણ વરરાજાની જેમ મોભાથી માંડવે આવે તે માટે શેરવાની અને કોટની તથા ડીજેના તાલે વરઘોડાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. લગ્ન હોય એટલે સાજન- માજન પણ હોય જ. વર અને કન્યા એટલે કે દાદા દાદી બંનેના પક્ષે 10- 10 વ્યક્તિઓને આ લગ્ન ઉત્સવમાં ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ સામાજિક કાર્યક્રમમાં જોડાતા ઘણા વડીલોએ ક્ષોભ પણ અનુભવ્યો પરંતુ અનેક વડીલોના પરિવારજનોએ ઉત્સાહભેર આ કાર્યક્રમને વધાવ્યો છે. ભાવનગરના કુકડીયા(સોની) દંપતી માટે તો એમ કહી શકાય કે પહેલીવાર તેઓ વાજતે – ગાજતે લગ્નના માંડવે બેસવાના છે. અરવિંદભાઈ કુકડીયાના 19 ફેબ્રુઆરી 1973ના લગ્ન થયા ત્યારે સામાજિક પરિસ્થિતિ જુદી હોય વાજતે ગાજતે લગ્ન થઈ શક્યા ન હતા. હવે આ સમૂહ લગ્નમાં તેઓ પ્રથમવાર વાજતે ગાજતે લગ્ન કરવાના છે. જયશ્રીબેન – કિશોરભાઈ ધ્રુવ પણ આ આનંદોત્સવમાં જોડાયા છે. આનંદી અને મોજીલું આ દંપતી કહે છે કે, દાંપત્યજીવનની પ્રત્યેક પળ માણવી જોઈએ અને તે અમે માણી છે. આ દંપતી રમતગમતમાં પણ આગળ છે અને અનેક સિદ્ધિઓ મેળવી છે. આ જ રીતે રાઠોડ દંપતી પણ 1964માં લગ્નગ્રંથીથી જોડાયું હતું અને હવે 25 ડિસેમ્બરે આ સહજીવનની યાત્રાને ફરી લગ્ન સાથે ઉજવવાના છે.
માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજકોટ, ભુજ, આણંદ અમદાવાદ સહિતના શહેરોમાંથી પણ દાદા દાદીઓ આ ઉત્સવમાં જોડાવાના છે. 70 – 72 વર્ષના દાદા શેરવાની પહેરી વરરાજા બની ડીજેના તાલે માંડવે આવે, 65- 70 વર્ષની દાદી કન્યાની જેમ શણગાર સજી તેને વરમાળા પહેરાવે આવું દ્રશ્ય જોવા આપણી આંખ ટેવાયેલી નથી અને અનેક પરિવારોએ પોતાના વડીલોને આવા આયોજનોમાં જોડાવાની નારાજગી પણ દર્શાવી. પરંતુ લગ્ન સંસ્થામાં જે રીતે પાયા હચમચી ગયા છે ત્યારે આ સામાજિક ઉત્સવ આજની યુવા પેઢીને એવો સંદેશ જરૂર આપી જશે કે, એકબીજાને સમજી, એકબીજાને પૂરક બનીને,અહમને ઓગાળીને જીવતા શીખીએ તો સહજીવનના પંથે ચાલવું સહેજે મુશ્કેલ નથી.






