રાજ્યમાં એકદમ ઠંડીમાં વધારો થયો છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો અનુભાવાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે. રાજ્યમાં ઠંડીમાં એકદમથી જ વધારો થયો છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં પારો ગગડ્યો છે.
ગુજરાતમાં 8 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ શહેરમાં તાપમાન ગગડ્યું છે. અમદાવાદમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, અમદાવાદમાં 13.2 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, સુરતમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં આગામી ત્રણ દિવસમાં હજુ બે ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે.