દુનિયાના અનેક દેશોમાં કોરોના વધતા કહેર વચ્ચે ભારત સરકારે પણ સાવચેતીના પગલા લીધા છે અને છ દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે આરટીપીસીઆઈનો નેગેટીવ રિપોર્ટ ફરજીયાત બનાવ્યો છે. સિંગાપુર અને થાઈલેન્ડ થઇને આવતા લોકોને પણ આ નિયમ લાગુ પડશે તેમ આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે.
આરોગ્ય મંત્રાલયના અગ્રસચિવ લવ અગ્રવાલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર તથા થાઈલેન્ડ જેવા છ દેશોમાંથી આવતા લોકો માટે નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજીયાત જ છે. એટલું જ નહીં અન્ય દેશના નાગરિક હોય છતાં સિંગાપુર-થાઈલેન્ડ થઇને ભારતમાં પ્રવેશે તો પણ તેને નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રજૂ કરવો પડશે.આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે ટકા પ્રવાસીઓના રેન્ડમ ટેસ્ટીંગનો અમલ પણ ચાલુ રાખવાનું જણાવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1લી જાન્યુઆરીથી જ ચીન, હોંગકોંગ, જાપાન, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા તથા સિંગાપુરથી આવતા પ્રવાસીઓ માટે નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો હતો. આ પ્રવાસીઓએ એર સુવિધા પોર્ટલ પર જ રિપોર્ટ અપલોડ કરવાના રહે છે. ભારતમાં પ્રવેશના 72 કલાક પૂર્વેનો આ રિપોર્ટ રાખવાનો થાય છે. હવે આ દેશોના નાગરિક ન હોય છતા ત્યાંથી આવતા હોય તેવા લોકોને પણ આ નિયમ લાગુ પડશે.