જૈન તીર્થસ્થાન પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના પડતર મુદ્દાઓ અંગે હવે જૈન સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે અમદાવાદ બાદ આજે સુરત સહિતનાં શહેરોમાં જૈન સમાજની જંગી રેલી નીકળી હતી. આ રેલીમાં એક લાખ જેટલા જૈનો ઊમટી પડ્યા હતા અને રોષ પ્રગટ કરીને સરકારને પોતાની માગણીઓ સ્વીકારવા આહ્વાન કર્યું છે. સામે જૈન સમાજના આ પ્રશ્ન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંતર્ગત મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. હવે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, જૈન સમાજના પાલિતાણા સહિતના પ્રશ્નો ઉકેલવા સરકારે સ્પેશિયલ ટાસ્કફોર્સની રચના કરી છે
પાલિતાણા દુનિયાભરના જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે પાલિતાણાના અનેક પ્રશ્નો છે. જેને લઈને મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ મુદ્દે ચર્ચા કરાય છે. જેને લઈને પાલીતાણાના પ્રશ્નો મુદ્દે ટાસ્ટ ફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં પોલીસ, નગરપાલિકા, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ રહેશે. તેમજ આ ટાસ્ક ફોર્સ પાલીતાણાના પ્રશ્ન પર ઉકે લાવશે અને શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે અને શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી નહિ થવા દે.
જૈન તીર્થ શેત્રુંજય અને સમ્મેદ શિખરને લઇ અઠવાલાઇન સરગમ શોપિંગ સેન્ટરથી લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જે મૌન રેલીમાં 15 હજારથી વધુ જૈન સમુદાયના લોકો જોડાયા હતાં. રેલીનું આયોજન હોવાથી હીરા બજાર અને કાપડ બજાર સુધી બપોર સુધી બંધ રાખવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યાં છે ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા રેલીઓ પણ યોજાઈ રહી છે..