કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક રેલ્વે સ્ટેશન પરથી એક યુવતીની સડી ગયેલી લાશ મળી આવી છે. કોઈએ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં ફેંકી દીધી હતી. વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમને જોઈને સફાઈ કર્મચારીઓએ રેલવે પોલીસને જાણ કરી હતી. સ્થળ પર ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતોએ વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે.
દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગ્લોર ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કુસુમા હરિપ્રસાદે મીડિયાને આ ઘટના અંગે માહિતી આપી હતી. હરિપ્રસાદે જણાવ્યું કે, સવારે સફાઈ કર્મચારીઓને પ્લેટફોર્મ નંબર-1 પર પ્લાસ્ટિકનો ડ્રમ મળ્યો, જેની અંદર એક સડેલી લાશ હતી. તેમાંથી દુર્ગંધ આવતી હતી. તેથી સફાઈ કર્મચારીઓએ રેલવે પોલીસને જાણ કરી. હરિપ્રસાદે કહ્યું કે મૃતદેહ એક યુવતીની છે, જેની ઉંમર 20 વર્ષની આસપાસ હશે. જો કે હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. તેમણે કહ્યું કે મૃતદેહ મળ્યા બાદ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને રેલવે સ્ટેશન પર બોલાવવામાં આવી હતી અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે.