સુરતમાં ફરી ખુની ખેલ ખેલાતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રણ-ત્રણ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ડિંડોલી વિસ્તારમાં બે અને લીંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના ઘટી છે.
ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીની પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વિગતો મુજબ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની એક નહીં પણ 3-3 ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં રમેશ રાઠોડ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકના ગળાને ભાગે તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
હત્યાની બીજી ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં બની છે. લિંબાયતમાં જૂની અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો હતો. યુવકની હત્યા કરવામાં આવી હતી. દશરથ કાણિયા નામના શખ્સે જૂની અદાવત રાખી યુવકની હત્યા કરી હતી. આ સાથે સુરતમાં હત્યાની ત્રીજી ઘટના ફરી ડિંડોલીમાં ઘટી છે. જેમાં ભેસ્તાન આવાસમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. મહત્વનું છે કે, ડીંડોલી વિસ્તારમાં રમેશ રાઠોડ નામના યુવકના ગળાને ભાગે તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો બેફામ બન્યા હોઇ છેલ્લા 24 કલાકમાં હત્યાની 3 ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસની સક્રિયતા સામે પણ સવાલ ઊભા થયા છે.