સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર મહાનગરપાલિકાનાં સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટનાં સહયોગથી ઘન કચરાના નિકાલ તથા સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જનાં વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ મ્યુનિસિપલ કમિશ્નર એન.વી. ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. કમિશનરે તેમના પ્રેરક ઉદબોધનમાં જણાવેલ કે ભાવનગર શહેરમાં જે જગ્યાએ કચરો ઉત્પન્ન થતો હોય ત્યાં સુકો અને ભીનો કચરો જુદો પાડવો જાેઈએ કારણ કે બંને કચરા ભેગા થઇ જાય તો જુદા પાડવા મુશ્કેલ બને છે. સુકા અને ભીના કચરા માટે અલગ અલગ સેન્ટર છે જેથી રી-પ્રોસેસીંગ કરવું સહેલું પડે. વેસ્ટમાંથી શું શું થઇ શકે તેની માહિતી આપી. કચરાને ગમે ત્યાં ફેંકવાના કારણે ગંદકી ફેલાય છે અને માખી મચ્છરનો ઉપદ્રવ થાય છે તેથી ભાવેણાના સૌ નાગરિકો આ બાબતમાં ખુબ જ સજાગ બને અને ભાવનગરને ઝીરો વેસ્ટ સીટી બનાવીએ જેથી ડિસ્પોઝલનો પ્રશ્ન જ ન આવે તેવી અપીલ કરેલ.
આ પ્રસંગે ચેમ્બરના ઉપ-પ્રમુખ પ્રકાશભાઈ ગોરસીયાએ ભાવનગરને આવા કર્તવ્યનિષ્ઠ મ્યુનિસિપલ કમિશ્નર મળ્યા છે તો ભાવેણાનાં તમામ નાગરિકો તેમને સહયોગ આપી અને સ્વચ્છ ભાવનગરના મિશનમાં યોગદાન આપવા અનુરોધ કરેલ. આ પ્રસંગે સોલીડ વેસ્ટ વિભાગના એક્ઝીક્યુટીવ એન્જિનિયર સંજયભાઈ હરિયાણી તથા દીપકભાઈએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઘન કચરાના નિકાલ અંગે તથા સ્વચ્છતાનાં કારણે થતા ફાયદાઓની સૌને જાણકારી આપેલ.
આ પ્રસંગે ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જનાં વિજેતાઓને ઉપસ્થિત મહાનુભવોના વરદહસ્તે સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર ચેમ્બરના હોદ્દેદારો, મેનેજીંગ કમિટીના સભ્યો, વેપાર- ઉદ્યોગને સલગ્ન વિવિધ એસોસિએશનનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ ચેમ્બરનાં માનદ્દ મંત્રી કેતનભાઈ મહેતાએ કરી હતી.