સૌરાષ્ટ્ર્ર–ગુજરાત અને દુનિયાભરના લેઉવા પટેલ સમાજના આરાધ્ય દેવી ખોડિયાર માતાજીના કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરના આજે સાતમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ખોડલધામ ટ્રસ્ટની યોજાયેલી બેઠકમાં આજે ટ્રસ્ટી મંડળમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની નિમણૂક સહિતના નવા ટ્રસ્ટીઓની ઘોષણા કરવામાં આવી હતી તેમજ સન્માન, વૈદિક હવન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
જેતપુરના કાગવડ ખાતે બિરાજતા લેઉવા પટેલ સમાજની શ્રધ્ધા–આસ્થાના પ્રતીક કુળદેવી ખોડિયાર માતાજીના મંદિર ખોડલધામના સાતમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ સહિતના પાટોત્સવના કાર્યક્રમોમાં આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર્રભરના લેઉવા પટેલ સમાજના આગેવાનો, લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની આગેવાની હેઠળ ધારાસભ્ય જયેશ રાદડિયા, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરિયા, રાઘવજી પટેલ, રમેશ ધડુક, જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, મુળુભાઈ બેરા, રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાયપાલ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ સહિતના ભાજપ અગ્રણીઓ આવી પહોંચ્યા હતા.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના ઉદબોધન દરમિયાન ૧૦૦ એકરમાં પથરાયેલા વિશાળ ખોડલધામ દેવસ્થાન તેમજ ખોડલધામ ટ્રસ્ટની સેવાકિય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી તેમજ ખોડલધામમાં વડિલો અને દિવ્યાંગો માટે વ્હિલચેર અને ગોલ્ફકારની વ્યવસ્થા ઉપરાંત ખોડલધામની રાષ્ટ્ર્રધ્વજ ફરકાવવાની દેશપ્રેમી પરંપરાની પણ સરાહના કરી હતી. કાગવડ ખોડલધામના આજે સાતમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાયેલા પાટોત્સવમાં ખોડલધામ ટ્રસ્ટમાં દેશભરના કન્વીનરો, સહ કન્વીનરો, સ્વયંસેવકો તેમજ લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો, રાજકારણીઓ, સામાજિક આગેવાનો વગેરે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા તેમાં સવારે ૮ વાગ્યાથી કન્વીનર–સહ કન્વીનર, સ્વયંસેવકોની મિટિંગ, વૈદિક યજ્ઞ–પૂજન, લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આગમન થતા તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.