પવિત્ર અમરનાથ યાત્રા હવે આખુ વર્ષ ચાલુ રાખવામાં આવે તેવા પ્રોજેકટ પર કેન્દ્ર સરકારે કામગીરી શરૂ કરી છે.માત્ર શ્રાવણ મહિના જ નહિં પરંતુ દરેક સીઝનમાં અને આખુ વર્ષ યાત્રા શકય બને તેવો ઉદેશ્ય છે અને તે માટે કેન્દ્રીય માર્ગ નિર્માણ મંત્રાલય દ્વારા નવી રોડ કનેકટીવીટી પર કામગીરી કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારનાં સુત્રોએ જણાવ્યુ છે કે સુચિત પ્રોજેકટ હેઠળ 22 કિલોમીટરનો નવો માર્ગ બનાવવામાં આવશે. જેમાં વરસાદ, હિમ વર્ષા તથા અન્ય સંભવિત આપતિઓ સામે રક્ષણ આપી શકતી 10 કિલોમીટરની ટનલ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશનને કામ સોંપ્યુ છે. ડીઝાઈન અને રોડની રૂપરેખા તૈયાર કરીને સરકારને પ્રોજેકટ રિપોર્ટ આપવામાં આવશે.આવતા દસ મહિનામાં ડીપીઆર તૈયાર કરવા અને પાંચ વર્ષમાં સમગ્ર પ્રોજેકટ તૈયાર કરવાનો ટાર્ગેટ નકકી કરવામાં આવ્યો છે.