ભાવનગરના રાજમાર્ગો પર અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા પશુઓના ત્રાસ નિવારણ સંદર્ભે મહાપાલિકા તંત્ર દ્વારા પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે આ કાર્યવાહીમાં એક ડગલું આગળ વધીને હવે મહાપાલીકા દ્વારા શહેરમાં પશુના ગેરકાયદે તબેલાઓ સામે કાર્યવાહી કરવા તખ્તો તૈયાર થયો છે.
રવિવારની રજામાં તેમજ આજે સોમવાર દરમિયાન દોઢ દિવસમાં ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા શહેરના બારસો શિવ મહાદેવ વાડી, માણેકવાડી, વડવા તલાવડી તથા માલધારી સોસાયટી વિસ્તારમાં સર્વે કરીને 45 જેટલા તબેલાને શોધી તાત્કાલિક અસરથી તેને દૂર કરવા ૨૬૦/૧ મુજબ નોટીસ ફટકારાઈ છે અને પાંચ દિવસની મુદત અપાઈ છે,
જો પાંચ દિવસમાં તબેલા નહીં હટાવાય તો ૨૬૦/૨ મુજબ કાર્યવાહી કરી તંત્ર દ્વારા તબેલા દૂર કરવામાં આવશે અને જરૂર પડે પશુઓને પણ જપ્ત લેવામાં આવશે તેમ તાકીદ કરાઈ છે.
સરકારી જમીન ઉપર કે માલીકીની જમીન ઉપર તબેલા બાંધવામાં આવ્યા હશે જેમાં તંત્રની કોઈ મંજૂરી નહિ લેવાઈ હોય તે દરેક તબેલા સામે કાર્યવાહી માટે તંત્રએ નિર્દેશ આપ્યો છે.