ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે શનિવારના રજાના દિવસે પણ ઓપરેશન દબાણ હટાવ ચાલુ રહ્યું હતું જેમાં ઘોઘા સર્કલમાં ખાઉગલી સહિતના વિસ્તારમાં સાત કેબિન જપ્ત કરાયા હતા જ્યારે રૂપાણી સર્કલ વિસ્તારમાંથી પણ એક કેબીન કબ્જે કરી તંત્રએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના ઘોઘા સર્કલમાં લારી અને કેબીનો ઊભા રાખી ટ્રાફિકને અડચણ થાય એ રીતે વેપાર ધંધો લાંબા સમયથી થઈ રહ્યો છે મહાપાલિકાના દબાણ હટાવ અભિયાન અંતર્ગત આજે આ વિસ્તારનો વારો આવી ગયો હતો. એસ્ટેટ વિભાગના કાફલા એ ખાઉ ગલી તેમજ ઘોઘા સર્કલ વિસ્તારમાંથી સાત કેબીનો જપ્ત કરી હતી જ્યારે ખાઉ ગલીમાં રેડ સ્ક્વેર શોપના સંચાલક દ્વારા માર્જિનની જગ્યામાં લાંબા સમયથી પતરાનો શેડ ઉભો કરી ધંધાના ઉપયોગમાં ગેરકાયદે રીતે ૧૫૦ વાર જેટલી જમીનનો ઉપયોગ થઈ રહ્યો હતો, આજે તંત્ર એ આ શેડ દૂર કરાવ્યો હતો. કોઈ કારણોસર શેડનો સામાન જપ્ત લેવાયો ના હતો જ્યારે કે બે કાઉન્ટર જપ્ત લેવાયા હતા. આ ઉપરાંત રૂપાણી સર્કલ વિસ્તારમાંથી પણ તંત્રએ એક કેબિન ઉઠાવી લીધુ હતું.






