સીનીયર અધિકારીઓની કોમ્પ્યુટર સીસ્ટમ મારફત ટેકસ આસીસ્ટંટ કક્ષાના ઈન્કમટેકસ અધિકારીએ 263 કરોડનું કૌભાંડ આચરતા સમગ્ર આવકવેરા વિભાગમાં ખળભળાટ સર્જાયો છે.
સીનીયર ટેકસ આસીસ્ટંટ તરીકે ફરજ બજાવતા તાનાજી મંડલ અધિકારીએ ઈન્કમટેકસ કમિશ્નર સહિતના અધિકારીઓને વિશ્વાસમાં લઈને તેઓના કોમ્પ્યુટર લોગઈન આઈડી તથા પાસવર્ડ મેળવી લીધા હતા અને તેના આધારે 263 કરોડના ટીડીએસ રીફંડ મેળવીને કૌભાંડ આચર્યુ હતું. પોતાના સાથીદારો મારફત તેણે ટીડીએસ રીફંડના બોગસ દાવા રજુ કર્યા હતા અને સીનીયર અધિકારીઓના કોમ્પ્યુટર લોગઈન કરીને રીફંડ દાવા મંજુર કરી 263 કરોડ ઉસેટી લીધા હતા.
આ સમગ્ર કૌભાંડનો એનફોર્સમેન્ટ ડીરેકટોરેટે પર્દાફાશ કર્યા બાદ દરોડા પાડયા હતા. કૌભાંડ આચરનાર અધિકારીએ આ નાણાંમાંથી મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં મોટી માત્રામાં મિલ્કતો વસાવી લીધી હતી. 70 કરોડની કિંમતની 30 સંપતિ હાથમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 32 પ્લોટ પણ ટાંચમાં લેવાયા છે.