પેપર લીકની ઘટનાઓની ગંભીરતાને ધ્યાને લઈને ગુજરાત સરકાર આવતા બજેટમાં વિધેયક લાવી નવો કાયદો બનાવવાની કરી તૈયારી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદામાં આવનારી જોગવાઈ અનુસાર પેપર લીક કરનારા લોકોને સાત કે તેનાથી વધુ વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. તો ખરીદનારને પણ ત્રણ વર્ષની સજા થશે. આ ઉપરાંત પેપર ખરીદનાર પર કાયમી ભરતી પર પ્રતિબંધ મુકાશે અને ભરતી પરીક્ષાના મોનિટરિંગ માટે IAS-IPS પણ નિમાશે.
જુનિયર ક્લાર્ક પેપરકાંડનો મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે. આ મામલે ATS એ સંડોવાયેલ 16 આરોપીઓને દબોચી લીધા બાદ આરોપીઓ સામે કલમ 406, 409, 420 અને 120-બી મુજબ ગુનો નોંધાયો છે. વધુમાં આ પ્રકરણમાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો આરોપી શ્રદ્ધાકર લુહાના, સરોજ, ચિરાયુ અને ઇમરાન ફરાર હોવાથી ATSએ તમામને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન થયા છે. આ મામલે નવા નવા ધડાકા થઈ રહ્યા છે.
આરોપી ભાસ્કર ચૌધરી અંગે વધુ ખુલાસા
પેપરલીક કાંડના આરોપી ભાસ્કર ચૌધરી મામલે પણ ખુલાસો થયો છે. જેમાં આરોપી ભાસ્કર ચૌધરી પોતાને શિક્ષણ ક્ષેત્રમાં નંબર વન એક્સપર્ટ ગણાવતો હતો. એટલું જ નહિ તે ક્લાસીસ ચલાવતો જેમાં JEE સહિતની પરીક્ષાઓ પણ લેવાતી હતી. ભાસ્કર ચૌધરીનું દિલ્લીમાં પણ એક ક્લાસીસ આવેલું છે. દિલ્લીથી પણ અન્ય રાજ્યમાં એડમિશન અપાવતો હતો. તેમજ ગુજરાત બહાર મેડિકલ-એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ઓડમિશન પણ અપાવતો હતો. સાથે કોલેજો-યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવવા માટે કન્સલ્ટિંગનું પણ કામ કરતો હતો. મળતી વિગત અનુસાર છેલ્લા 10 વર્ષમાં 90 હજારથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન અપાવ્યાનો દાવો કરતો હતો.