ભાવનગર શહેરમાં ગેરકાયદે રીતે માસ, મચ્છીનું વેચાણ થઈ રહ્યું છે. ગઈકાલે હાઇકોર્ટની ફટકાર બાદ સમગ્ર રાજ્યની સાથે ભાવનગરમાં પણ તંત્રએ કામગીરી કરી હોવાનો દાવો છે પરંતુ નગરજનો આ સમસ્યાથી ત્રસ્ત છે અને લોકોની લાગણી દુભાઈ રહી છે છતાં મ્યુ. તંત્રએ કાર્યવાહી નહિ કરી આંખ આદા કાન કર્યે રાખ્યા, જે મુદ્દો સામાન્ય સભામાં ઉઠ્યો હતો. ભાજપના નગરસેવક રાજુ રાબડીયા આ મામલે બોલવા ઊભા થયા હતા. ગેરકાયદે રીતે માસ મચ્છીનું વેચાણ બંધ થવું જોઈએ તેવી તેમની લાગણી હતી પરંતુ સભાના અધ્યક્ષ મેયરએ ચર્ચામાં આ મુદ્દાનો સમાવેશ નહિ હોવાની જણાવી બેસાડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, લાયસન્સ વિના ધમધમતા કતલખાના અને મીટ શોપ મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જ ગઈકાલે ભાવનગર કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી ૩૩ શોપ બંધ કરાવી દેવાઈ હતી.
જોકે, શહેરમાં ગંગાજળિયા તળાવની પાળ, ચિત્રામાં મસ્તરામબાપા મંદિર હોવા છતાં નજીકમાં જ સામેની બાજુ તથા જવાહર મેદાન વિગેરે જગ્યાએ ખુલ્લામાં માસ મચ્છીનું વેચાણ થઈ રહ્યું છે. તેની સામે લોકોની ફરિયાદ છે છતાં તંત્રએ આંખ આડા કાન કર્યે રાખ્યા છે.