ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની યોજના તળે સુભાષનગર ટીપી સ્કીમ નં૮માં પ્રધાનમંત્રી આવાસ યોજના સાકાર થઈ છે. ઘર વિહોણા લોકોને સસ્તા ભાવે ઘરનું ઘર મળી શકે તે માટે સરકારની આ યોજના છે જેમાં કેટલાક બની બેઠેલા લાભાર્થીઓએ જરૂર નહી હોવા છતા મકાનો મેળવી લઈ અને બાદમાં ભાડે આપી મલાઈ મેળવવાનું કારસ્તાન કર્યુ છે. તંત્ર સુધી ફરિયાદ પહોચતા એકાદ મહિના પૂર્વે પી એમ આવાસ યોજનાની એક સ્કીમમાં સર્વે કરતા ત્યાંથી જ ૨૭૧ આવાસો મળી આવ્યા હતા જે ભાડે ચડાવી દેવાયેલા હતા આથી મ્યુ. તંત્રએ આજે કાયદાનો દંડો ઉગામીને આવા ભાડુઆતોને તગેડી આવાસોને સીલ કર્યા હતા. સુભાષનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તળે ૧૦૮૮ આવાસ બાંધવામાં આવ્યા છે જેનું લોકાર્પણ રાષ્ટ્રપતિને હસ્તે થયુ હતું. છેલ્લા કેટલાક સમયથી આ આવાસો ભાડે આપી દઈ ભાડાની રોકડી કરાતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યુ હતું. એકાદ માસ પૂર્વે મહાપાલિકા તંત્રએ આખરે ગંભીરતાથી આ વિષયને લઈને સર્વે કરતા આ એક આવાસ યોજનામાં ૧૦૮૮ પૈકી ૨૭૧ લોકોએ મકાનો ભાડે ચડાવી દિધાનું સામે આવ્યુ હતું. આમ પોેતાને જરૂર નહી હોવા છતા સરકારી યોજનામાં લાભ લઈ અને મકાનને ભાડે આપી દઈ મલાઈ મેળવવાનું કારસ્તાન ખુલ્લુ પડ્યુ હતું. આથી મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ૨૭૧ ખાલી કરવા નોટીસ ફટકારાઈ હતી. આથી ૪૦ જેટલા ભાડુઆતો મકાન ખાલી કરીને જતા રહેલ પરંતુ ૨૦૦થી વધુ ભાડુઆતોએ નોટીસ ગણકારી ન હતી દરમિયાનમાં આજે ટાઉન પ્લાનીંગ ઓફીસર ઝાપડીયા, નાયબ ઈજનેર ઉમેશ ડોડીયા, ટેકનીકલ આસીસ્ટન્ટ હિતેશ ગોહીલ વૈભવ પરમાર, અમઈ જતીન ભાયાણી કચેરીનો સ્ટાફ અને વર્ગ ૪ના કર્મચારી સહિતનાએ આજે સુભાષનગર આવાસ યોજનામાં દોડી જઈ અને ભાડુઆતોને બહાર કાઢી મકાનને સીલ ઠપકાર્યા હતા. આ લખાય છે ત્યારે બપોર સુધીમાં ૫૦થી વધુ આવાસ સીલ કરી દેવાયા છે. આવાસ યોજનામાં મકાનો મેળવી ભાડે આપી દેવાનું કૌભાંડ લાબા સમયથી ચાલી રહ્યુ છે. તંત્રએ આજદીન સુધી આખ આડા કાન કર્યે રાખ્યા હતા. પરંતુ આ વખતે પ્રથમ વાર કડક કાર્યવાહી કરતા ભાડુઆતો રોડ પર આવી જતા કરૂણ સ્થિતી જાેવા મળી હતી.