ભારતીય ક્રિકેટ બોર્ડ ના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ પરિષદની ઈમરજન્સી બેઠકમાં ભાગ લેવા માટે બહેરીન પહોંચી ચૂક્યા છે. આ બેઠક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેરમેન નઝમ સેઠીના અનુરોધ પર બોલાવવામાં આવી છે જેમાં પાકિસ્તાનની એશિયા કપની મેજબાની અંગે નિર્ણય લેવામાં આવશે.
બીસીસીઆઈના સૂત્રોનું માનવામાં આવે તો ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની અંદર એશિયા કપ રમવા જવા માટે બિલકુલ તૈયાર નથી એટલા માટે કાં તો પાકિસ્તાન પાસેથી એશિયા કપની મેજબાની છીનવાઈ શકે છે કાં તો આ ટૂર્નામેન્ટને ન્યુટ્રલ મતલબ કે તટસ્થ ઉપર રમાડવામાં આવી શકે છે. જો પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટ ન રમાય તો તે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં રમાડી પાકિસ્તાનની યજમાની યથાવત રહે તેવી શક્યતા છે. જો આમ ન બને તો પછી શ્રીલંકા બીજો વિકલ્પ બની શકે છે. બીસીસીઆઈ પોતાનો પક્ષ બદલવા બિલકુલ તૈયાર નથી એટલા માટે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કેમ કે સરકાર તરફથી મંજૂરી મળેલી નથી.
બીસીસીઆઈએ પહેલાંથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. બીજી બાજુ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ પોતાને ત્યાં ટૂર્નામેન્ટ રમાડવા માટે મથી રહ્યું છે. આવામાં કોઈ તટસ્થ સ્થળે એશિયા કપ યોજાઈ શકે છે. પાછલા વર્ષે પણ એશિયા કપની યજમાની શ્રીલંકા પાસે હતી પરંતુ ત્યાંની સ્થિતિને કારણે ટૂર્નામેન્ટને યુએઈમાં ખસેડવામાં આવી હતી. આવામાં એવી સંભાવના છે કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનની જગ્યાએ યુએઈમાં થઈ શકે છે.