તુર્કી અને સીરિયામાં આવેલા 7.8 તીવ્રતાના ભૂકંપ અને અનેક આફ્ટરશોકને કારણે મૃત્યુઆંક 8,000ને વટાવી ગયો છે. તુર્કીમાં મૃત્યુઆંક વધીને 5894 થઈ ગયો છે જ્યારે સીરિયામાં પણ ભૂકંપના કારણે 1932થી વધુ લોકોના મોત થયા છે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ભૂકંપથી પ્રભાવિત દેશના 10 દક્ષિણ પ્રાંતોમાં ત્રણ મહિના માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ સાથે તેમણે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી બનાવવા જણાવ્યું છે.

ઘાયલોની સંખ્યા પણ 50,000ને પાર કરી ગઈ છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. હજુ પણ હજારો લોકો કાટમાળમાં ફસાયેલા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ આઠ હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘણા દાયકાઓ પછી આટલા વિનાશકારી ભૂકંપના કારણે સ્થિતિ ખૂબ જ ભયાનક છે. ઈમારતો, રસ્તાઓ, વાહનો સહિત બધુ નાશ પામ્યું છે.

બધે કાટમાળ દેખાય છે. ચારેબાજુ મૃતદેહો દેખાઈ રહ્યા છે અને લોકો તેમના નજીકના અને પ્રિયજનોને શોધી રહ્યા છે. કાટમાળમાંથી સતત મૃતદેહો બહાર આવી રહ્યા છે અને રસ્તાઓ પર દોડતી એમ્બ્યુલન્સ, પોલીસના સાયરન અને પીડિતોની ચીસો જાતે જ આખી પરિસ્થિતિ કહી રહી છે. હોસ્પિટલો પણ ઘાયલોથી ભરેલી છે. રાહત અને બચાવ ટીમ દરેક ક્ષણે મદદ કરવામાં લાગેલી છે.
હવે પેલેસ્ટાઇનમાં પણ ભૂકંપના આંચકા
તુર્કિ અને સીરિયા બાદ પેલેસ્ટાઈનમાં ભૂકંપના આંચકાએ લોકોને ધ્રૂજાવ્યા છે. ભૂકંપના કારણે જાનમાલનું નુકસાન થયું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે ભૂકંપના આંચકા હળવા છે. જેરુસલેમમાં આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા ઓછી નોંધાઈ છે પરંતુ તુર્કિ અને સીરિયાના ભૂકંપની સ્થિતિ જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ઈઝરાઈલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેરુસલેમમાં ભૂકંપના હળવા ઝાટકા અનુભવાયા છે.
યુરોપિયન મોનિટરિંગ ગ્રુપની પ્રાથમિક સૂચના પ્રમાણે મૃત સાગર વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની સૂચના આપવામાં આવી છે. એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે શક્તિશાળી ભૂકંપ આવ્યો તો ભારે નુકસાન થવાની સંભાવના છે. કારણ કે ઈઝરાઈલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને પહોંચી વળવા માટે સક્ષમ નથી.





