નાણાંકીય વર્ષ પૂર્ણતાને આરે છે ત્યારે કોર્પોરેશને આવક-જાવકના દર્શાવેલ આંક સિદ્ધ કરવા હવે ઘરવેરા વિભાગ કડક વસુલાત માટે મેદાનમાં ઉતર્યું છે. ગત તા.૧૫ ફેબ્રુઆરીથી માસ રિકવરી ઝુંબેશ હાથ ધરી મિલ્કતની જપ્તી ધડાધડ કરવામાં આવી રહી છે જેના પગલે કોર્પોરેશનના વર્ષો જુના નાણાની વસુલાત પણ ફટાફટ થઇ રહી છે. ગઇકાલે ચિત્રામાં કોટક મહિન્દ્રા બેંકવાળી મિલ્કતનો વર્ષો જુનો રૂા.૧૭.૫૦ લાખનો બાકી વેરો વસુલવા બિલ્ડીંગને સીલ ઠપકાર્યાં બાદ આસામી અને બેંક અધિકારીઓ દોડતા થયા હતા અને સીલ માર્યાં બાદ તુરંત જ કોર્પોરેશનની કચેરીએ દોડી આવી ઉભા ઉભા ચુકવણી કરી આપી સીલ ખોલાવ્યા હતાં. કાલે એક દિવસમાં જ મહાપાલિકાને કુલ રૂા.૫૨ લાખની વસુલાત કરવામાં સફળતા મળી હતી.
માસ જપ્તીના ચોથા દિવસે સોમવારે કોર્પોરેશન દ્વારા કુલ ૪૭ મિલ્કતો સીલ કરવામાં આવેલ જ્યારે ૨૬૯ આસામીઓ દ્વારા કુલ રૂા.૫૫.૨૮ લાખ રૂપિયાનો વેરો ચુકતે કરવામાં આવેલ. જે પૈકી ૫૬ આસામીઓએ ૬.૯૪ લાખ રૂપિયા ઓનલાઇન પેમેન્ટ દ્વારા ચુકવ્યા હતાં.