છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની અટકળો પર પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે.
રાજ્યમાં વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાને રોકવા માટે સરકાર એક્શનમાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પંચાયત સેવા મંડળની જવાબદારી સોંપવામાં આવી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ‘પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા 09મી એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવા માંગે છે. પરીક્ષા કેન્દ્રોને લઈને જિલ્લાઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે.
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા બે તબક્કે નહીં પરંતુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ એક જ તબક્કે યોજવાની છે. બંને ભરતી સત્તા મંડળોએ ઉમેદવારોને અફવાહોથી દૂર રહેવા જણાવ્યું છે.