ગુજરાતમાં રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલ ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દત વધુ ચાર મહિના લંબાવવામાં આવી છે અને હવે વિધાનસભામાં આ અંગેનો એક ખરડો પણ રજૂ કરાશે. ગત તા.17ના રોજ ઇમ્પેકટ ફીની મુદત પૂરી થઇ હતી પરંતુ તેને નબળો પ્રતિસાદ મળતા રાજય સરકારે એક તબકકે ઓનલાઇનમાંથી ઓફલાઇન અરજી સ્વીકારવાનું શરૂ કર્યુ હતું તેમ છતાં પણ ગેરકાનુની બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા માટેની આ યોજનાને યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે વધુ ચાર માસ તે લંબાવાયો છે..
રાજય સરકાર હવે ગેઝેટમાં પણ કેટલાક સુધારા કરીને ઇમ્પેકટ ફી કાનુનને વધુ વ્યવહારૂ તથા સરળ બનાવશે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ સરકાર ખાસ કરીને ટ્રાફિક અને પાર્કિંગ સહિતના મુદ્દે ઇમ્પેકટ ફીના કારણે કોઇ પાર્કિંગ સ્પેસ જે ગેરકાનુની રીતે દબાણ હેઠળ આવ્યું હોય તે નિયમિત ન થઇ જાય તે જોવા માંગે છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકારે આ અંગેનું એક વિધેયક તૈયાર રાખ્યું છે. વિધાનસભાના સત્રમાં બજેટ પછી તુર્ત જ રજૂ કરાશે.
ઇમ્પેક્ટ ફી શું છે ?
શહેરમાં જે ઠેકાણે રહેણાક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે.આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે. આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફી નું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.