ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવાના આદેશ કર્યા છે તો ઇજાગ્રસ્તને 2 લાખ ચૂકવવા હુકમ કર્યો છે.
દિવાળી બાદ બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર આજે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ વાત કરતા ન્યાય મળે એવી આશા વ્યકત કરી હતી. પરિવારજનોએ આંસુભરી આંખે ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી હતી. મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લપડાક મારતાં ગુજરાત હાઈકોર્ટે અણિયારા પ્રશ્નો કર્યા છે. ગત 30 ઓક્ટોબરે ઝૂલતા પુલની 130થી વધુ લોકોથી વધુનાં મોતની દુર્ઘટનામાં સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે “શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું?”
“રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં,” એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.