ભાવનગર જીલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની કફોડી હાલત થઇ છે. આ સંદર્ભે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને રજૂઆત કરી ખેડૂતોનો અવાજ કાને ધરવા માંગ કરી છે. ડુંગળી માટેના પાકને તૈયાર થતા પહેલા ખુબ જ ખર્ચાઓ અને મહેનત ખેડૂત કરે છે. હાલમાં ભાવનગર જીલ્લામાં ડુંગળી વેચવા માંગતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ખુબ લાંબી કતારોમાં પરેશાની વેઠ્યા પછી જે ભાવ મળે છે તે માત્ર બે રૂપિયા કિલો જેવો ભાવ મળે છે અને પરિણામે ખેડૂતને પોતે કરેલી તમામ મહેનત પાણીમાં ગઈ હોય તેવું અહેસાસ થાય છે.
રાજ્યસભાના સાંસદ અને દિલ્હી તેમજ હરિયાણા કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન પાસે માંગણી કરી છે કે, તાત્કાલિક ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ પુરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અતિશય કપરી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોને સરકારે ચોક્કસ સબસીડી આપવી જાેઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ (સ્જીઁ) ખેડૂતો માટે નક્કી કરીને ખેડૂતોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી જાેઈએ. લાંબા સમયથી સરકારે ડુંગળી પકવતા ખેડૂતો પોતાના પાકને સ્ટોરેજ કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરી નથી. સરકારે ખેડૂતના ઘરમાં જયારે ખેતપેદાશ આવે ત્યારે તે ખેતપેદાશને એક્સ્પોર્ટમાં પ્રોત્સાહન આપીને પૂરતા ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જાેઈએ. આ અંગેની તાત્કાલિક વ્યવસ્થા ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરે તેવી માંગણી કરવામાં આવી છે.
ભાવનગર યાર્ડમાં લાલ ડુંગળીના એક કિલોના રૂા. પોણા ત્રણ ઉપજ્યા
ભાવનગર પંથકમાં ડુંગળીનું મબલખ વાવેતર થયું છે અને હાલ પાક તૈયાર થઇ જતા યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યો છે. ભાવનગર-મહુવા અને તળાજા યાર્ડમાં ડુંગળીની બોરીઓ લાખોની સંખ્યામાં ખડકાઇ છે. બીજી બાજુ ભાવ તળીયે બેઠી જતા ખેડૂતોને ખર્ચ પણ નથી મળી રહ્યો. ગઇકાલે મંગળવારે ભાવનગર યાર્ડમાં લાલ ડુંગળીની ૫૨૨૮૩ થેલાની આવક નોંધાઇ હતી. જ્યારે ભાવ રૂા.૫૫ થી લઇ ૧૬૫ સુધીનો રહ્યો હતો તો સફેદ ડુંગળીમાં ૧૬૫ થી ૧૮૫નો મહત્તમ ભાવ રહ્યો હતો.