ભાવનગર મહાપાલિકા તંત્ર દ્વારા કમિશનર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન તળે હવે નૈતિક હિંમત દાખવવાની શરૂઆત થઇ છે જેના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસથી એવી એવી કામગીરીઓ થઇ રહી છે જે અગાઉ કોર્પોરેશને ક્યારેય કરવાની હિંમત દાખવી નથી ! આવા જ એક ઉદાહરણરૂપ કિસ્સામાં શહેરના સુભાષનગરમાં વિવાદી પ્લોટમાંથી કેબીન ધારકોને ખસેડી કોર્પોરેશને રૂા.૬ કરોડની કિંમતી જમીનનો પ્લોટ ખાલસા કરાવ્યો હતો. આ જમીનની માલિકી સહિતની બાબતો વિવાદી છે અને કોર્ટમાં મેટર છે પરંતુ આજદિન સુધી કોર્ટે કોઇ સ્ટે આપ્યો નથી છતાં કોર્પોરેશન તંત્ર નૈતિક હિંમત દાખવીને કાર્યવાહી કરી શકતું ન હતું.
આ કિસ્સાની તંત્રવાહકો પાસેથી મળેલી વિગતો મુજબ શહેરના સુભાષનગરમાં જૈન દેરાસરની સામે સરકારી પ્લોટ આવેલો છે, રૂવા ગ્રામ પંચાયતના અસ્તિત્વ વખતે આ જમીન કેટલાક લાભાર્થીઓને ભાડે ફાળવી હોવાનું ચર્ચામાં છે. જેથી જુના સ્ટોલ ધારકો આ જગ્યા ખાલી કરતા ન હતાં. જ્યારે કોર્પોરેશન તંત્ર દ્વારા જગ્યાનો કબ્જાે લેવા અગાઉ પ્રયાસ થયો હતો પરંતુ લાભાર્થીઓ ન્યાય મેળવવા કોર્ટમાં જતા હાલ મેટર કોર્ટમાં છે. જાે કે, કોર્ટ દ્વારા કોઇ સ્ટે અપાયો નથી આથી કોર્પોરેશન ઇચ્છે તો જમીન ખાલસા કરાવી શકે. પરંતુ આજદિન સુધી તે થયું ન હતું. આખરે કમિશનર એન.વી. ઉપાધ્યાયને મામલો ધ્યાને આવતા અને નીચેના અધિકારીઓને પણ નૈતિક હિંમત આવતા ગઇકાલે મંગળવારે બપોર બાદ આ પ્લોટમાંથી લાભાર્થીઓને ખસેડી અને જમીનનો કબ્જાે મેળવ્યો હતો. આ જમીનની કિંમત બજારભાવ મુજબ રૂા.૬ થી ૭ કરોડની ગણાય છે. આમ, કોર્પોરેશને નૈતિક હિંમત દાખવી રૂા.૬ કરોડનો પ્લોટ ખાલસા કરાવ્યો હતો. હવે આગળ જતા કોર્ટમાંથી જે હુકમ આવે તે બન્ને પક્ષોએ માન્ય રાખવાનો રહેશે.
કોર્પોરેશનની અન્ય કાર્યવાહીમાં દેરાસરની આગળના ભાગે ટી.પી. રોડ પર કતારબધ્ધ રીતે કેબીનો ગોઠવી દબાણો ખડકાયા હતા જેને પણ કબ્જે લઇ દબાણમુક્ત કરાયેલ. જ્યારે રસ્તા પર ફરીથી દબાણ ન થાય તે હેતુથી રાતોરાત ડામર રોડ માટે ખોદકામ શરૂ કરાવી પેવર રોડ બનાવવા કમિશનરે સુચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ઇતિહાસમાં નવાપરામાં વિવાદી કિસ્સામાં કોર્ટનો સ્ટે હટ્યાના કલાકોમાં જ તત્કાલીન કમિશનર પ્રદિપ શર્માએ ડામર રોડ બનાવી દઇ વિવાદનો કાયમી રસ્તો કાઢ્યો હતો એ ઘટનાની યાદ આજે પુનઃ તાજી થઇ હતી !
આનંદનગર બાદ આખલોલ… લેટલતીફ એક ડોક્ટર અને સ્ટાફને નોટિસ
મ્યુ. કમિશનર ઉપાધ્યાયના રાઉન્ડમાં ગઇકાલે આનંદનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તપાસ થતા ડોક્ટર મળી ચાર કર્મચારીઓ ગેરહાજર હતા, બચવા માટે ટ્રેનીંગનું બહાનુ આગળ ધરાયું હતું પરંતુ કમિશનરે વાત માન્ય નહીં રાખી નોટિસ ઠપકારી હતી. દરમિયાનમાં આજે કમિશનર ચિત્રામાં રાઉન્ડમાં નીકળતા તે વખતે આખલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ઓચિંતા જઇ ચડ્યા હતા. અહિં પણ એક ડોક્ટર અને અન્ય કર્મચારી ગેરહાજર જણાતા બંનેને શો કોઝ નોટિસ ફટકારવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
માસ જપ્તીમાં ૪૫ મિલ્કતો સિલ, ૬ રહેણાકના નળ કનેકશન કપાયા
મહાપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા મિલ્કત કર વસુલાતની કડક કામગીરી માટે માસ જપ્તી ડ્રાઈવ ચાલી રહી છે જેમાં મંગળવારે કુલ ૪૫ મિલ્કતો સીલ કરવામાં આવી હતી તો ૬ રહેણાકના મકાનના નળ કનેકશન પણ કાપી નાખવામાં આવ્યા હતા. તંત્રની ઝુંબેશમાં ૧૫૫ આસામીઓએ ૨૨.૭૫ લાખ રૂપિયાનો વેરો ભરપાઈ કરી આપ્યો હતો.
પ્લાસ્ટિક ડ્રાઈવમાં ૨૫ આસામીઓને ૬,૮૦૦ દંડ
મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આસામીઓ પાસેથી ૧૦.૭ કીલોનો જથ્થો ઝડપી લઈ રૂપીયા ૬,૮૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ ગંદકી ફેલાવતા ૩૪ આસામીઓને રૂપીયા ૮ હજાર દંડ કરાયો હતો. જ્યારે રઝકા ડ્રાઈવમાં ૩૨ પુળા જપ્ત લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
શિવાજી સર્કલ પાસે મ્યુનિસીપલ પ્લોટમાં ગેરકાયદેસર પાર્ક કરેલ 7 વાહનોને આજે લોક મારેલ અને સ્થળ પર રૂ.7,000/ની પેનલ્ટી તંત્રએ વસુલ કરી હતી.