લોકલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ તળાજા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, ધારડી ગામે રહેતા કુલદિપસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા પોતાના કબજા ભોગવટાની ધારડી ગામે આવેલ વંદે માતરમ હોટલે વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે રેડ કરી તલાશી લેતા હોટલના કાઉન્ટર પાસે પ્લાસ્ટીકના કેનમાંથી પાંચ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે હોટલમાં તપાસ કરતા પાછળના ભાગે નાવણીયાની બાજુમાંથી વિદેશી દારૂની ૧૮ છુટક બોટલ અને હોટલના ખુણામાં પડેલ પ્લાસ્ટીકના નાના મોટા ટીપણા-બેરલ પડેલ હોય જેની તલાશી લેતા તેમાંથી જ્વલનશીલ પદાર્થ ડીઝલ મળી આવતા ૯૪૦ લીટર જ્વલનશીલ પદાર્થ, ૧૮ વિદેશી દારૂની બોટલ અને પાંચ લીટર દેશી દારૂ, માપીયુ, ગરણી, ઇલેક્ટ્રીક મોટર કબ્જે લઇ હોટલ માલિક કુલદીપસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા મળી આવતા તેની અટકાયત કરી ક્રાઇમ બ્રાંચે તેના વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આઇપીસી ૨૮૫, પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.






