ભાવનગરના રૂવા ગામમાં આવેલ બે અલગ અલગ સ્થળોએથી એલ.સી.બી.એ વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સને ઝડપી લઇ બન્ને સ્થળોએથી વિદેશી દારૂની કુલ ૩૨૧ બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર એલ.સી.બી. પોલીસ કાફલો ગત રાત્રિના સમયે શહેરના એરપોર્ટ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રુવા ગામમાં રહેતા અતિશ જીવણભાઈ ચૌહાણ અને સાગર ગોવિંદભાઈ રાઠોડ તેમજ કુંભારવાડામાં રહેતા વિરેન હકાભાઇ વાઘેલાએ રૂવા ગામમાં આવેલ બે અલગ અલગ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. જે બાતમીના આધારે એલ.સી.બી.એ રૂવા ગામમાં આવેલ સાગર રાઠોડના સંબંધી રાજુ મંગાભાઈ બાંભણિયાના મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૬૦ બોટલ કિં. રૂ. ૪૨ હજાર, ચાર મોબાઇલ મળી કુલ રૂ. ૭૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે અતિશ જીવણ ભાઈ ચૌહાણ,સાગર ગોવિંદભાઈ રાઠોડ અને વિરેન હકાભાઈ વાઘેલાને ઝડપી લીધા હતા.
આ ઉપરાંત આ ત્રણ ઈસમોએ રૂવા ગામમાં આવેલ નિલેશ બીજલભાઇ ડાભીના મકાનમાં પાણીના ટાંકામાં છુપાવેલ ભારતીય બનાવટમાં વિદેશી દારૂની ૧૬૧ બોટલ ભરેલા કોથળા કિં. રૂ. ૪૮,૩૯૦ પણ કબજે કરી ઝડપાયેલા ત્રણેય ઈસમ ઉપરાંત રાજુ બામણીયા અને મહેશ પરમાર વિરુદ્ધ સ્થાનિક ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.